Tue Jan 06 2026

Logo

White Logo

મસ્તરામની મસ્તી: : દારૂ પીવાથી મગજ ચમકે… જુગાડુ પાર્ટી માણી છે?

2 days ago
Author: Mumbaisamachar Team
Video

મિલન ત્રિવેદી

મુંબઈમાં બધું ઈઝીલી મળી જાય, છૂટથી મળે… તેમાં ઉત્સવોની ઉજવણીની અડધી મજા મરી જાય.

આવો, અમારા ગુજરાતમાં, જ્યાં મળી તો જાય પણ વ્યવસ્થા કરવામાં પણ જુગાડું મોજ આવે.

જી હા હું વાત કં છું દારૂ પીવાની. મુંબઈમાં ચા પીવા જેટલું સહેલું છે. પોલીસની પીસીઆર વાહન અને પત્નીના વેલણ, વાકબાણ, અને તીખા તીર જેવા પ્રશ્નો વચ્ચે એક કુલ બોટલની વ્યવસ્થા કરી તેને મિત્રો વચ્ચે બેસી અને ગટગટાવવી તેની થ્રિલ ઉપરોક્ત ઘટનાઓનો ભોગ બનેલા જ જાણી શકે.

25 ડિસેમ્બરથી ઉજવણીના દિવસથી દારૂ અને જગ્યા માટે કોઈ વૈજ્ઞાનિક નવી શોધ કરવામાં જેટલું મગજ નહિ વાપરતો હોય તેટલું મગજ અમારો ચુનિયો દારૂ બાઈટિગ અને ખુફિયા જગ્યા શોધવામાં વાપરે છે.

આ વખતની પાર્ટી યાદગાર રહી. પીવાની વાતનું એક્સાઇટમેન્ટ અને પોલીસની રેડનો ડર શક્ષતફિંલફિળ માં પાંગરેલા પ્રેમ પછી વહેલી ડેટ જેવી ફીલિંગ આપે.

આવા માહોલમાં ૠજ્ઞજ્ઞલહય માં પણ ન જડે તેવી જગ્યા પસંદ કરવી એ અમારા ચુનિયાનું કામ. તેનાથી બે ફાયદા રહે : એક તો જે સોલ્જરીમાં પૈસા ન કાઢે તેને એ જગ્યાનું સરનામું જ ના મળે.

આ વખતે પસંદ કરેલી જગ્યા રમતનું મેદાન હતું. ગામથી દૂર અને નક્કી એવું કરેલું કે પોલીસની રેડ પડે તો રમત રમવા માંડવી.

બધાના ગ્લાસ ભરાઈ ગયા. નવા નિશાળીયાઓએ ધૂમ તડકે મળેલી છાશનો ગ્લાસ માની એક જ શ્વાસે અંદર ઉતારી દીધું. ત્યારે ચુનિયાએ બીજો પેગ કેવી રીતે પીવો, સાથે કેટલું અને કયુ બાઈટિગ લઈ શકાય, તે સમજાવવાની શરૂઆત કરી તો પણ બે જણાએ નાત જમણમાં કેરીનો રસ જે રીતે પીવાતો હોય તેમ ગ્લાસ મોઢે માંડી ગયા.

હવે મને અને ચુનિયાને થઈ ગયું હતું કે આ સુધરે તેવી જમાત નથી. એટલે મોઢામાંથી વાસ ન આવે તે માટે શું કરવું તે વિષય ઉપાડ્યો.

વરિયાળીથી લઈ અને લસણ - ડુંગળી સુધીના પ્રયોગો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમને એવું લાગ્યું કે જો અમે આ સમજાવવામાં જ રહીશું તો અમારા ભાગે છેલ્લે વધતા લવ ડ્રોપ સિવાય કશું રહેશે નહીં.

આટલી વાત દરમિયાન થોડો ખખડાટ થતાં પોલીસના આવવાની જાણ થઈ અમે તરત જ મેદાનમાં રમવા માટે ભેગા થઈ ગયા અને નક્કી કર્યા મુજબ હું અને ચુનિયો `કબડી… કબડી' બોલી રમવાનો માહોલ ઊભો કરતા જ હતા ત્યાં પોલીસવાળા બધાને ગરદનથી દબોચી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.

મને કારણ જાણવા ન મળ્યું કે આટલું સરસ પરફેક્ટ આયોજન કર્યા પછી પોલીસવાળાને ખબર કઈ રીતે પડી.?
મને એક જાણીતા અધિકારીએ બહાર બોલાવી અને ઘરે જવા કહ્યું, ઓળખાણ હોવાથી મેં પૂછ્યું કે `તમને લોકોને ખબર કઈ રીતે પડી કે બધા પીધેલા છે?'

અધિકારીના કહેવા મુજબ : તમે કબડ્ડી ... કબડ્ડી બોલતા બોલતા રમવાનું શરૂ કર્યું, પરંતુ એક જણો ક્રિકેટના પેડ પહેરી કબડ્ડી... કબડ્ડી કરતો બહાર આવ્યો, બીજો લંગડી રમતા રમતા કબડ્ડી કબડ્ડી કરવા લાગ્યો, બીજા એ તો અંદરથી આવતા વેંત મને જોઈને કહ્યું ઓહો, બંને જોડીયા ભાઈઓ પોલીસમાં જ છો?'

આમ તમારા આયોજનમાં થોડી કચાશ રહી ગઈ.

દારૂ છાશની જેમ પીનારો સાહેબ પાસે આવીને કહે `મારા ઘરે જાણ ન કરતા… ભલે સવાર સુધી મને આજીવન કેદ આપો.'

ઘણી બધી મગજમારી પછી `મુક્તિ ફંડ રિલીઝ' કરી બધા પોતપોતાના ઘર તરફ વળ્યા.

સાચી પરીક્ષા તો હવે હતી.

`ઘરે રાત્રે વહેલા આવી જઈશું.' તેમ કહ્યું હતું અને અત્યારે રાતના 2:00 વાગ્યા છે. દરવાજો ખુલતા જ 8- 10 મહિલાઓ મારા ઘરમાં મ્યુઝિકના તાલે નાચી રહી હતી.

મ્યુઝિકના અવાજ વચ્ચે પણ મારા પત્નીનો અવાજ મને સ્પષ્ટ સંભળાય તેવો મધુર છે, પૂછ્યું `આવી ગયો? હજુ એકાદ કલાક પછી અવાય ને, અમારી મહિલાઓની કીટી પાર્ટી ચાલુ છે.'

મને હાશકારો થયો, પરંતુ ધ્રાસ્કો પણ પડ્યો. કે આપણે તો ઠીક છે આ લોકો પણ દારૂના રવાડે ચડી ગયા કે શું?? ત્યાં તો લીંબુ- શરબતના ગ્લાસ ભરાઈ અને રૂમમાં ગયા જો કે રસ્તામાંથી જ મેં બે ઉપાડી ગટગટાવી લીધા.
ચુનિયાને બચી ગયાના ખુશખબર આપવા રૂબરૂ ગયો તો ચુનિયો ઘરવાળીને પગે વિક્સ લગાડી આપતો હતો. ભાભી ના પાડી રહ્યા હતા. છતાં ડબલ વિક્સ લગાડી પગે માલિશ કરી રહ્યો હતો.

સેવાની સેવા અને મોઢાની વાસ સામે વિક્સની સુગંધ…

વાહ, ચુનિયા બચી ગયો તું પણ…!

વિચારવાયુ:

પોલીસ: તું પીધેલો છે, ચાલ આ સીધી સફેદ લાઈન પર ચાલીને બતાવ.

પીધેલો: સાહેબ, લાઈન પર ચાલવાની વાત તો ઠીક છે, પણ પહેલા એ કહો કે આ બે લાઈનમાંથી કઈ લાઈન પર ચાલવાનું છે?