(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ આજે ક્રિસમસની જાહેર રજાને કારણે સત્તાવાર ધોરણે બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીમાં તેજી થાક ખાતી હોય તેમ ઊંચા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળી હતી. તેમ છતાં એકંદરે અન્ડરટોન તો મજબૂતીનો જ પ્રવર્તી રહ્યો હોવાનું બજાર વર્તુળો જણાવી રહ્યા છે. વધુમાં આજે સ્થાનિક સ્તરે પણ ક્રિસમસની જાહેર રજાને કારણે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન બંધ હોવાથી આજે હાજર ભાવની સત્તાવાર ધોરણે કોઈ જાહેરાત થઈ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 4525.18 સુધી ક્વૉટ થયા બાદ અંતે આગલા બંધ સામે સાધારણ 0.2 ટકા ઘટીને 4479.38 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને 4502.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધીને આૈંસદીઠ 72.70 ડૉલર સુધી ક્વૉટ થયા બાદ અંતે આગલા બંધ સામે 0.7 ટકા વધીને 71.94 ડૉલર આસપાસના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે હાલમાં વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણ સાથે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું હોવાનું કિટકો મેટલ્સના વિશ્લેષક જિમ વાઈકોફે જણાવતા ઉમેર્યું હતું કે હળવા અથવા તો નીચા વ્યાજદર અને અનિશ્ચિતતાના માહોલમાં સોના અને ચાંદી જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોના આકર્ષણને ટેકે સારી કામગીરી જોવા મળતી હોય છે.
ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો અર્થતંત્ર સારી કામગીરી દાખવતું હોય તો વ્યાજદરમાં કાપ મૂકે તેવા ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષને હું પસંદ કરું છું. નોંધનીય બાબત એ છે કે વર્તમાન કેલેન્ડર વર્ષ 2026માં અમેરિકી ફેડરલ રિઝર્વે ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂક્યો છે, જ્યારે આગામી વર્ષમાં બે વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
વધુમાં ભૂરાજકીય સ્થિતિ અંગે જોઈએ તો વેનેઝુએલાથી સંલગ્નિત તેલના ટેન્કરો સિલ કરવા માટે અમેરિકી તટરક્ષકો વધુ દળની રાહ જોઈ રહ્યા છે, એમ રોઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 149 ટકાનો અને સોનાના ભાવમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.