Mon Dec 08 2025

Logo

White Logo

ગુજરાતની માટીનો ગર્વ : ગાંધી, સરદાર અને PM મોદીના વારસાનું પ્રતિબિંબ – કેવડીયામાં ઉપરાષ્ટ્રપતિએ કર્યા વખાણ!

1 day ago
Author: Devayat Khatana
Video

કેવડીયા(એકતાનગર):  સરદાર વલ્લભભાઈ પટેલનેની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી 'સરદાર@150' રાષ્ટ્રીય એકતા પદયાત્રા ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. .

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરૂ પાડીને ૫૬૦થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે. દેશભરમાં ૧૩૦૦ થી વધુ પદયાત્રાઓમાં ૧૪ લાખથી વધુ યુવાનોની ભાગીદારી એ સિદ્ધ કરે છે કે સરદાર પટેલ દ્વારા પ્રજ્વલિત એકતાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે એમ ગૌરવ સાથે જણાવતા તેમણે એમ પણ કહ્યું કે, સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે. 

સરદાર સાહેબે પોતાના સાદગીભર્યા વ્યક્તિત્વથી વિશ્વને સંદેશ આપ્યો હતો કે “એગ્રીકલ્ચર ઈઝ અવર કલ્ચર.. અમારી સંસ્કૃતિનું મૂળ કૃષિ છે, અને એ જ અમારી ઓળખ છે. એમ જણાવી તેમણે ઉમેર્યું કે સરદાર પટેલે સમગ્ર રાષ્ટ્રને એકતાના સૂત્રમાં પરોવીને  ભારતને એક, અખંડ અને મજબૂત બનાવ્યું. 

વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધીજી, દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને વિકાસને રાષ્ટ્રીય આંદોલન બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ ગુજરાત છે એમ ગૌરવપૂર્વક જણાવી તેમણે ઉલ્લેખ કર્યો કે, દેશના કોઈ પણ ખૂણે ‘કેમ છો?’નો ઉચ્ચાર થાય છે, ત્યારે પ્રત્યુત્તરમાં ‘મજામાં!’ સાંભળવા મળે છે, આ ભાવના ગુજરાતની પ્રગતિશીલ વિચારસરણી અને વડાપ્રધાનના લોકપ્રિય નેતૃત્વનું પ્રતિબિંબ છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે નારી શક્તિ વંદન કાયદાએ સ્ત્રી સશક્તિકરણથી આગળ વધીને વુમન લેડ ડેવલપમેન્ટનો યુગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ચાર નવી શ્રમ સંહિતાઓ (લેબર કોડ્સ) લાગુ કરી છે, જે ન્યાયપૂર્ણ, સર્વ સમાવેશી અને પ્રગતિશીલ ભારત નિર્માણના સંકલ્પને મજબૂત આધાર આપે છે.  ઉપરાષ્ટ્રપતિશ્રીએ યુવાનોને ડ્રગ્સના ભરડામાં ક્યારેય ન ફસાવાની શીખ આપી કહ્યું કે, યુવાશક્તિ દેશનું ભવિષ્ય છે. દેશની ૬૫ ટકા વસ્તી યુવા છે અને 'યુથ પાવર' દેશની ઉર્જા, પ્રતિભા અને આકાંક્ષાઓનો અદ્વિતીય સ્રોત છે, ત્યારે રમતગમત, સામાજિક જવાબદારી અને સંસ્કારપૂર્ણ વર્તન વ્યવહારથી યુવાનોએ બદલાતા સમયમાં પોતાની ક્ષમતાઓને વિકાસની દિશામાં વાળવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને દેશભરમાં મજબૂત અને કદાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા હતા. અંગ્રેજોના અત્યાચારી કર વધારા સામે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી.  સરદાર પટેલજીએ ખેડૂતો માટે બારડોલીના ગામડે ગામડે ફરી ખેડૂતોને એકઠા કર્યા, આત્મવિશ્વાસ જગાવ્યો અને તેમને એકતાના સૂત્રમાં બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આવા કપરા સમયમાં સરદાર પટેલે સફળ સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું હતું.ખેડૂતોના આ વિજય અને તેમના નેતૃત્વને કારણે જ વલ્લભભાઈ પટેલને “સરદાર” તરીકે સન્માનિત નામ મળ્યું હોવાનું કહ્યું હતું. 

આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનું વર્ષ સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતું એક ઐતિહાસિક વર્ષ બની રહ્યું છે. આ વર્ષ રાષ્ટ્રગાન વંદે માતરમ, ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ તથા સરદાર સાહેબના વિચારધારાના વૈશ્વિક પ્રચાર–પ્રસારનું પ્રેરણાસ્રોત બની રહ્યું છે.

યુવાનોમાં અદમ્ય ઊર્જા અને પ્રેરણા જોવા મળી

CMએ વધુમાં કહ્યું હતું કે, આ યુનિટી માર્ચમાં જોડાયેલા યુવાનોમાં અદમ્ય ઊર્જા અને પ્રેરણા જોવા મળી છે. થાક્યા વગર સતત ચાલતા યુવાનોની આ યાત્રાને ‘સકારાત્મક પગલું’ પણ ગણાવી શકાય. યાત્રા દરમિયાન સરદાર વંદના સાથે રાષ્ટ્રભક્તિના રંગો સાથે સ્વચ્છતા, એક પેડ મા કે નામ જેવા આયામો યુવા શક્તિએ હૃદયથી ચરિતાર્થ કર્યા છે. એકતાનો, સમરસતાનો અને સામૂહિક વિકાસનો ભાવ પ્રતિક્ષણે દેખાયો છે. સમાપન પ્રસંગે CMએ હાકલ કરી હતી કે, આપણે સૌએ સરદાર સાહેબના ‘રાષ્ટ્ર પ્રથમ’ના સિદ્ધાંતને હૃદયમાં રાખીને દેશના વિકાસના પથ પર અડગ રહેવું જોઈએ.