મુંબઈ: વર્લ્ડ ચેમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી ભારતના ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન ઔપચારિકતા માટે કેટલીક ફૂટબૉલ મૅચો (ખાસ કરીને બાળકો સાથે) રમ્યો હતો, પરંતુ એક્ઝિબિશન મૅચમાં રમવાનું તેણે ટાળ્યું હતું જેનું કારણ જાણવા જેવું છે.
મેસીએ શનિવારે ભારતમાં આગમન કર્યું હતું અને ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન તેની કોઈ આંતરરાષ્ટ્રીય કે ક્લબ સ્તરની મૅચ ન રમાવાની હોવાથી જ તેણે આ સમયગાળામાં ભારતનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું.
જોકે મેસી ભારત (India)માં એકેય પ્રદર્શનીય મૅચ ન રમ્યો એ પાછળ તેનો વીમો સૌથી કામ મોટું કારણ છે.
વિશ્વભરમાં સ્પોર્ટ્સને લગતી વીમા પોલિસીઓમાં મેસીની પોલિસી સૌથી મોંઘી ગણાય છે. તેણે ડાબા પગનો 8,100 કરોડ રૂપિયા (900 મિલિયન ડૉલર)નો વીમો ઉતરાવ્યો છે.
મેસી (Messi)ની વીમા પોલિસીમાં તેને કરીઅર દરમ્યાન શારીરિક રીતે કોઈ પણ પ્રકારની હાનિ થાય તો એ સામે તેને વળતર મળે એવી જોગવાઈ છે. જોકે એમાં એક શરત એવી પણ છે કે આ પોલિસીને લાગુ પડે ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય મૅચ કે ક્લબ સ્તરની મૅચ સિવાય કોઈ પણ અન્ય મૅચ ન રમી શકે. બીજી રીતે કહીએ તો તેની પોલિસીમાં એક્ઝિબિશન (Exhibition) મૅચનો સમાવેશ ન હોવાથી તે ભારતમાં એ મૅચ રમ્યો નહોતો. ભારતમાં તેણે માત્ર ઔપચારિકતા માટે થોડી હળવી પળો બાળકો સાથે અને ભારતના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ સાથે માણી હતી.
મેસી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં આર્જેન્ટિના વતી અને પ્રોફેશનલ સ્તરે અમેરિકાની ઇન્ટર માયામી ક્લબ વતી રમે છે. જો કોઈ ખેલાડી એક્ઝિબિશન મૅચ દરમ્યાન ઇજા પામે તો તેને વીમા પોલિસી હેઠળ કોઈપણ પ્રકારની આર્થિક સવલત નથી મળતી.