Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બાદ બે દિવસના : ખાસ કેમ્પમાં મતદારોએ 2.96 લાખથી વધુ ફોર્મ ભર્યા

2 days ago
Author: Chandrakant Kanoja
Video

ગાંધીનગર : ગુજરાતમાં SIRની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. તેની બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં હવે 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

10 લાખ લોકોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું

આ દરમિયાન તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી. આ બંને દિવસો દરમિયાન લગભગ 10 લાખ લોકોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

કુલ 2.96 લાખથી વધુ ફોર્મ ચૂંટણી સ્ટાફને મળ્યા

જેમાં તા. 27 ડિસેમ્બરે આ ખાસ કેમ્પ અંતર્ગત કુલ 1.22 લાખથી વધુ જ્યારે તા. 28 ડિસેમ્બરના રોજ 1.74 લાખથી વધુ ફોર્મ (ફોર્મ નં 6, 6એ, 7, 8) ચૂંટણી સ્ટાફને મળ્યા છે. આમ, બે દિવસ દરમિયાન કુલ 2.96 લાખથી વધુ ફોર્મ ચૂંટણી સ્ટાફને મળ્યા છે. તદુપરાંત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કેમ્પના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ 3.98 લાખ ફોર્મ મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.