વોશિંગટન ડીસી: અમેરિકામાં ઘણીવાર જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનાઓ ઘટતી રહે છે. તાજેતરમાં આવી ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. જોકે, આ વખતે એક યુનિવર્સિટીમાં ઘૂસી આવેલા એક અજાણ્યા શખ્શે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા તથા આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પરીક્ષા દરમિયાન થયું ફાયરિંગ
અમેરિકાના રોડ આઇલેન્ડના પ્રોવિડેન્સ શહેરમાં આવેલી બ્રાઉન યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડીંગમાં 13 ડિસેમ્બર 2025ને શનિવારના રોજ ફાયરિંગની ઘટના ઘટી હતી. યુનિવર્સિટીમાં એક તરફ ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ એક શખ્શે યુનિવર્સિટીમાં આવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગની આ ઘટનામાં 2ના મોત થયા હતા. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ફાયરિંગની ઘટનાને લઈને યુનિવર્સિટીમાં પોલીસનો કાફલો પહોંચ્યો હતો. બે કલાક સુધી યુનિવર્સિટીની જુદી જુદી બિલ્ડિંગમાં પોલીસે શોધખોળ કરી હતી. બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ફાયરિંગને લઈને ડેપ્યુટી પોલીસ ચીફ ટિમોથી ઓહારાએ જણાવ્યું કે, ફાયરિંગ કરનાર એક પુરુષ છે. તેણે કાળા રંગના કપડા પહેર્યા હતા, છેલ્લે તે બિલ્ડીંગની બહાર જતો નજરે પડ્યો હતો. ફાયરિંગની ઘટનાને લઈને સ્થાનિકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે: ટ્રમ્પ
બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલી ફાયરિંગની દુર્ઘટનાને લઈને રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ શોક વ્યક્ત કર્યો હતો. ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, રોડ આઇલેન્ડ ખાતેની બ્રાઉન યુનિવર્સિટી ખાતે થયેલ ફાયરિંગ અંગે જાણ થઈ. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારજનોને હિંમત આપે. FBI ઘટનાસ્થળે પહોંચી છે. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.