Mon Dec 15 2025

Logo

White Logo

હું સારી બોલિંગ પણ કરીશ, : મારા મૅનેજરે ગરબડ કરી નાખી છેઃ કૅમેરન ગ્રીન

abu dhabi   9 hours ago
Author: Ajay Motiwala
Video

ઍડિલેઇડઃ મંગળવારે અબુ ધાબીમાં યોજાનારા આઇપીએલના મિની ઑક્શનને ગણતરીના કલાકો બાકી છે અને એ હરાજીમાં ઑસ્ટ્રેલિયાના કૅમેરન ગ્રીન (Cameron Green) ખૂબ ઊંચા ભાવે વેચાશે કે કેમ એ વિશે શંકા થઈ રહી છે ત્યારે ખુદ કૅમેરન ગ્રીને પોતાની ઑલરાઉન્ડર (Allrounder) તરીકેની ઓળખ બાબતમાં સ્પષ્ટતા કરવી પડી છે જેમાં તેણે કહ્યું છે કે ` હું બોલિંગ પણ સારી કરી શકું છું. મારા વિશે જે કંઈ કહેવાયું છે એ બોલવામાં મારા મૅનેજરે ગરબડ કરી નાખી છે.'

26 વર્ષનો કૅમેરન ગ્રીન પીઠની સર્જરીને લીધે 2025ની આઇપીએલમાં નહોતો રમી શક્યો. જૂનમાં તે સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅન તરીકે પાછો મેદાન પર આવ્યો હતો. ત્યાર બાદ તેને તેના ક્રિકેટ બોર્ડે બોલિંગ કરવાની મંજૂરી આપી છે અને તે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝમાં બોલિંગ કરી રહ્યો છે.

તેણે કહ્યું છે કે આગામી આઇપીએલમાં તે બોલિંગ માટે પણ ઉપલબ્ધ રહેશે અને તેને મૅનેજરની ભૂલને લીધે મંગળવારના આઇપીએલ ઑક્શન માટેના લિસ્ટમાં તેનું નામ માત્ર બૅટ્સમૅન તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું છે. ગ્રીન 2023માં મુંબઈ ઇન્ડિયન્સ વતી અને 2024માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ વતી રમ્યો હતો. તેણે આ વખતે બે કરોડ રૂપિયાની મૂળ કિંમતવાળા કૅટેગરીમાં નામ નોંધાવ્યું છે. તેનું નામ ઑલરાઉન્ડરને બદલે બૅટ્સમૅનની કૅટેગરીમાં છે.

કૅમેરન ગ્રીને રવિવારે એક જાણીતી ક્રિકેટ વેબસાઇટને કહ્યું, ` હું હવે ફરી સારી બોલિંગ કરી શકું છું. હું જે કહી રહ્યો છું એ મારા મૅનેજરને ગમશે કે નહીં એ મને ખબર નથી, પણ તેણે બોલવામાં ગરબડ તો કરી જ છે. મને લાગે છે કે તેણે મને માત્ર બૅટ્સમૅન તરીકે ઓળખાવવાનું પસંદ નહીં કર્યું હોય, પણ ફૉર્મ ભરવામાં ખોટું બૉક્સ પસંદ કર્યું હશે.'