અજય મોતીવાલા
સામાન્ય રીતે ભારતીય ક્રિકેટરો નવી સિરીઝ પહેલાં પોતાની રીતે સહી સલામત નિર્ધારિત શહેરની ફાઇવસ્ટાર હોટેલમાં કે ઍરપોર્ટ પર ભેગા થઈ જાય છે, ત્યાંથી તેમને શ્રેણીની પ્રથમ મૅચવાળા શહેરમાં પહોંચાડવામાં આવે છે જ્યાં વિમાનીમથક ખાતે તેમને લોકોના ધસારાથી દૂર રાખવા ટર્મિનલમાં પાછળના દરવાજેથી બહાર લઈ જઈને ટીમની બસમાં બેસાડી હોટેલમાં હેમખેમ પહોંચાડવામાં આવે છે.
બીજા દિવસે સવારે ફરી એ જ ચક્ર શરૂ થાય છે જેમાં તેમને હોટેલ ખાતેથી ટીમની બસમાં બેસાડીને સ્ટેડિયમ પર પહોંચાડવામાં આવે છે જ્યાં તેઓ પ્રૅક્ટિસ કરે છે અને બપોરે કે સાંજે પાછા હોટેલ ભેગા થાય છે. એ દરમ્યાન તેમના ખેલાડી સુધી કે ડ્રેસિંગ-રૂમ સુધી કોઈ પણ સામાન્ય વ્યક્તિને પહોંચવાની સખત મનાઈ હોય છે. મૅચના દિવસે પણ ખેલાડીઓને વહેલા હોટેલ પરથી સ્ટેડિયમ પર લાવવામાં આવે છે. હવે બને છે એવું કે જે ખેલાડીઓને આ દિવસો દરમ્યાન 200 ટકા સલામતી મળતી હોય છે તેઓ મૅચ દરમ્યાન જ મેદાન પર અસલામત થઈ જતા હોય છે.
વાત એવી છે કે ભારતમાં ચાર દિવસમાં રમાયેલી ત્રણ મૅચમાં પ્રેક્ષકોમાંથી કોઈ એક ક્રિકેટક્રેઝી યુવાન મેદાન પર છેક પિચ સુધી પોતાના હીરો પાસે (કે મેદાન પર તે જ્યાં પણ ઊભો હોય ત્યાં) પહોંચી ગયો હોય એવી ચોંકાવનારી ઘટનાઓ બની છે. ખેલાડીઓ પોતાના ઘરેથી ટૂર પર નીકળ્યા પછી મૅચ માટે હોટેલથી મેદાન પર પહોંચવા સુધીમાં ખૂબ સલામત સ્થિતિ અનુભવે છે, પણ મૅચ દરમ્યાન કોઈ ક્રેઝી ક્રિકેટપ્રેમી તેમની પાસે દોડી આવી શકે એવો ડર તેમને સતાવતો જ હશે. થોડા દિવસોથી ભારતના સ્ટેડિયમોમાં જે કંઈ બની રહ્યું છે એ જોતાં પ્લેયર્સને આવો ભય ન સતાવે તો જ નવાઈ કહેવાય.
ગયા રવિવારે રાંચીમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીએ હજી તો યાદગાર સેન્ચુરી પૂરી કરી અને એના જશનની તેણે હજી તો શરૂઆત કરી ત્યાં તો એક યુવાન કોણ જાણે કયાંથી અને કેવી રીતે તેની પાસે પહોંચી ગયો અને સીધો તેના પગમાં પડ્યો હતો. કોહલીને તે જરૂર ભગવાન માનતો હશે, પણ કોહલીની સલામતી રામ ભરોસે હતી એનું શું! આંતરરાષ્ટ્રીય મેદાન કે જેના પર પોતાના દેશના ખેલાડીઓ ઉપરાંત વિદેશી પ્લેયર્સ પણ સંપૂર્ણ સલામતીની અપેક્ષા સાથે આવતા હોય છે તેમની સુરક્ષાની બાબતમાં કેમ આવી કચાશ રહે છે એ જ નથી સમજાતું.
મૅચ દરમ્યાન માત્ર ખેલાડીઓ, અમ્પાયરો તેમ જ ડ્રિન્ક્સના બ્રેક દરમ્યાન એક્સ્ટ્રા ખેલાડીઓને અને ખેલાડીની ઈજા વખતે ફિઝિયોથેરપિસ્ટ તથા તેમની મેડિકલ ટીમને અને પિચ ક્યૂરેટરની ટીમના માળીઓને જ આવવાની છૂટ હોય છે ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કેવી રીતે સીધી પિચ સુધી પહોંચી શકે? સલામતી રક્ષકો કરે છે શું? તેઓ મૅચ અને ખેલાડીઓને જોવામાં જ મશગૂલ હોય છે કે શું? ન કરે નારાયણ ને કોઈ તોફાની શખસ કોઈ હથિયાર સાથે સ્ટેડિયમમાં ઘૂસી જવામાં સફળ થયો હોય અને એ જ શખસ મેદાન પર ખેલાડી સુધી પહોંચી જાય તો તમે અંદાજ કરી શકો છો કે શું ન બનવાનું બની શકે.
મંગળવારે હૈદરાબાદમાં અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા સાથે પણ વિરાટ જેવો કિસ્સો બન્યો હતો. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પંજાબ વિરુદ્ધ બરોડાની મૅચ દરમ્યાન એક યુવાન ફીલ્ડિંગ કરી રહેલા અભિષેક શર્મા પાસે પહોંચી ગયો હતો અને જબરદસ્તીથી તેને પકડીને તેની સાથે સેલ્ફી લીધી હતી. ત્યાર બાદ બીજી દિશામાંથી સલામતી રક્ષક દોડી આવ્યો અને એ યુવાનને પકડીને લઈ ગયો હતો.
એ જ મૅચમાં પછીથી હાર્દિક પંડ્યા ફીલ્ડિંગમાં હતો ત્યારે તેનો એક ફૅન તેની પાસે આવી પહોંચ્યો અને તેને પગે લાગ્યો હતો. બીજો એક યુવાન તેની (હાર્દિક) પાસે પહોંચી ગયો હતો અને તેની (હાર્દિકની) કમર પર હાથ રાખીને તેની સાથે સેલ્ફી લીધી હતી. સલામતી રક્ષકો દોડી આવ્યા અને યુવાનને લઈ જઈ રહ્યા હતા ત્યારે હાર્દિકે તેમને વિનંતી કરી હતી કે એ છોકરાને કોઈ સજા નહીં કરતા.
બુધવારે નક્સલવાદીઓના ગઢ મનાતા છત્તીસગઢના શહેર રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે દરમ્યાન પણ વિરાટ સાથે રાંચી જેવો બનાવ બન્યો હતો. એ જ દિવસે સવારે બિજાપુરમાં ભારતીય કમાન્ડો અને પોલીસ દળે કેટલાક નક્સલવાદીઓને ઠાર માર્યા હતા તેમ જ બે જવાન શહીદ થયા હતા એ બનાવની વાતો હજી શાંત નહોતી પડી ત્યાં તો 300 કિલોમીટર દૂર રાયપુરમાં એક યુવાન મેદાન પર વિરાટ સુધી પહોંચી ગયો હતો અને તેને પગે પડ્યો હતો. ખુદ વિરાટે તેને ઊભો કરવો પડ્યો અને પછી સલામતી રક્ષકો મદદે આવ્યા હતા.
કેમ આ રક્ષકો સતતપણે સાવચેત નથી રહેતા? કોઈ સામાન્ય માણસ મેદાન પર પિચ સુધી ખેલાડી પાસે પહોંચી જાય ત્યાર બાદ કેમ સિક્યૉરિટી ગાર્ડ એ ઘટનાસ્થળે પહોંચે છે? યાદ છેને, અગાઉની હિન્દી ફિલ્મોમાં બનતું હતું કે હીરો અને વિલન વચ્ચે 10થી 15 મિનિટ સુધી ઢિસૂમ...ઢિસૂમ થઈ જાય ત્યાર પછી જ પોલીસની એન્ટ્રી થતી હતી. ફરી ક્રિકેટના મેદાનની વાત પર આવીએ તો કેમ સલામતી રક્ષકો ગ્રાઉન્ડ પર દોડી આવતા શખસને વચ્ચેથી જ આંતરીને કેમ નથી પકડી લેતા? શું ખેલાડીઓએ મેદાન પર (બૅટિંગમાં કે ફીલ્ડિંગમાં) સતત એવા ભય સાથે રમવાનું કે કોઈ ગાંડો ક્રિકેટપ્રેમી તેમને ભેટવા તેમની પાસે પહોંચી જશે?
આ ખૂબ સિરિયસ મામલો છે જેનો ત્વરિત ઉકેલ લાવવો જ પડશે. યાદ રહે, આપણા દેશમાં જ (પાકિસ્તાન પ્રત્યે કૂણી લાગણી ધરાવતા) આપણા દુશ્મનો રહે છે. વિદેશોમાં ક્યારેક કોઈ પ્રેક્ષક નગ્ન અવસ્થામાં (સ્ટ્રીકર) ખેલાડી સુધી પહોંચી ગયો હોય એવું ઘણી વાર બન્યું છે. ફરી ભારતની વાત કરીએ તો અહીં લોકો ક્રિકેટરોને માત્ર ખેલાડી જ નથી ગણતાં. તેમને સુપરહીરો ગણે છે અને અમુક લોકોના દિલમાં મનપસંદ ક્રિકેટરને ભગવાન તરીકેનું સ્થાન મળ્યું હોય છે.
દરેક ક્રિકેટપ્રેમી પોતાના હીરોને મળવા ઇચ્છતો હોય છે, પરંતુ મોટા ભાગના લોકો એ ઇચ્છાને પોતાના દિલોદિમાગમાં પૂરતી જ સીમિત રાખતા હોય છે, જ્યારે અમુક ક્રેઝીઓ હિંમત કરીને (કે કોઈ મિત્ર સાથે ચૅલેન્જ લાગી હોય તો) સીધા મેદાન પર ખેલાડી સુધી દોડી જતા હોય છે, પછી ભલે સલામતી રક્ષકોનો માર ખાવો પડે, પરંતુ જિંદગીમાં એક વાર પોતાના હીરો સાથે સેલ્ફી લેવાની ઇચ્છા તો પૂરી કરી હોય!
ખરું કહીએ તો ક્રિકેટર-ફૅનના મિલનની આવી ઘટના નિહાળીને કોઈ પણ પ્રેક્ષક કે ટીવી-દર્શક હસી પડે, પણ આવા બનાવ તાત્કાલિક બંધ થવા જરૂરી છે. નહીં તો, એકાદ ગંભીર ઘટના બનશે તો ભારતીય ક્રિકેટને અને ક્રિકેટની રમતને જ બટ્ટો લાગી જશે.