Thu Jan 01 2026

Logo

White Logo

દિલ્હીમાં ગાઢ ધુમ્મસના લીધે હવાઈ સેવાને : અસર, 128 ફ્લાઈટ રદ કરાઈ

2 days ago
Author: chandrakant kanojia
Video

નવી દિલ્હી : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેની અસર હવાઈ સેવા પર પડી છે. ગાઢ ધુમ્મસના લીધે વિઝિબીલીટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના પગલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 128 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.જયારે આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટ સહિત અનેક એરલાઈન્સે ખરાબ હવામાનને કારણે ચેતવણી જાહેર કરી છે. 

ઈન્ડિગોએ 80 ફ્લાઈટ રદ કરી 

ઈન્ડિગોની વેબસાઈટ અનુસાર ખરાબ હવામાનને કારણે સોમવારે મુંબઈ, બેંગલુરુ, કોચીન, જયપુર, અમૃતસર, પટના, ભોપાલ, ઈન્દોર અને અન્ય શહેરોની લગભગ 80 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. મંગળવારની પણ એક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ અંગે  ઈન્ડિગોએ X પર જણાવ્યું હતું કે, દિલ્હી અને ઉત્તર ભારતના ઘણા એરપોર્ટ પર ધુમ્મસ છે  અને વિઝિબીલીટી ઓછી છે. જેના કારણે બપોર સુધી કેટલીક ફ્લાઈટ્સમાં વિલંબ થઈ શકે છે.

એરપોર્ટ ઓથોરીટીએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી

આ અંગે દિલ્હી એરપોર્ટ ઓથોરીટીએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે સતત ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ કામગીરી શ્રેણી 3 હેઠળ રહે છે.  જેના પરિણામે ફ્લાઇટમાં વિલંબ થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તમે તમારી સંબંધિત એરલાઇનનો સંપર્ક કરો અથવા નવીનતમ ફ્લાઇટ માહિતી માટે અમારી વેબસાઇટ તપાસો. 

દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે સવારે એરપોર્ટ  રનવે પર વિઝિબીલીટી 100-150 મીટરની વચ્ચે હતી.જેના કારણે હવાઈ મુસાફરી પર નોંધપાત્ર અસર પડી હતી.