નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા 20 નવેમ્બર 2025ના રોજ અરવલ્લી પર્વતમાળાને લઈને કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ અનુસાર હવે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે. અરવલ્લી પર્વતમાળાની આ નવી પરિભાષાને લઈને વિવાદ સર્જાયો છે. નવી પરિભાષાના કારણે અરવલ્લી પર્વતમાળામાં મોટા પ્રમાણમાં ખનનને મંજૂરી આપવામાં આવશે, જેથી તેનું અસ્તિત્વ જોખમાશે એવી પર્યાવરણવિદો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટ એક્શમાં આવી છે.
રાજસ્થાનમાં 'અરવલ્લી બચાવો' અભિયાન
અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષાના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો છે. 29 ડિસેમ્બર 2025ના રોજ આ મામલે સુનાવણી કરવામાં આવશે. સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતામાં આ મામલે સુનાવણી કરવામાં આવશે.
અરવલ્લી પર્વતમાળા દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં પથરાયેલી છે. જોકે, અરવલ્લીની નવી પરિભાષાને લઈને રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ‘સેવ અરવલ્લી’ (Save Aravali) કેમ્પેઈન શરૂ કર્યું છે, તો કોંગ્રેસના અનેક નેતાઓએ પોતાના સોશિયલ મીડિયાની ડીપી (DP) બદલી નાખી છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષાના કારણે અહીં મોટી માત્રામાં ખનનને મંજૂરી આપવામાં આવશે.
કૉંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે
કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાવદે કહ્યું કે, અરવલ્લી આપણાં દેશની સૌથી જૂની પર્વતમાળા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એ ચુકાદો આપવામાં આવ્યો તે મામલે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે’. આ સ્પષ્ટતાની સાથોસાથ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરીને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી આ આખી પર્વતમાળામાં નવા ખનન (Mining) પર રોક લગાવી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ કુદરતી સંસાધનોનું જતન કરવાનો અને રણના વિસ્તારને આગળ વધતો અટકાવવાનો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 1998થી લઈને 2023 સુધીમાં અરવલ્લી પર્વતમાળાને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાજસ્થાનના 31 પર્વતો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયાં છે. હજારોની સંખ્યામાં ગેરકાયદે ખાણકામ કામગીરી ચાલી હતી. 2005થી 2012 સુધીમાં 16 લાખ ટનથી પણ વધારે ખનિજને ગેરકાયદે કાઢવામાં આવ્યું હતું. 2019 ના એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે, સુપ્રીમ કોર્ટના આદેશો છતાં 18 ખાણકામ લીઝ રિન્યુ કરવામાં આવી હતી. આમ, કૉંગ્રેસ માઇનિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પોતાના કેટલાક નેતાઓને બચાવવા માટે 'અરવલ્લી બચાવો' અભિયાન ચલાવી રહી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં થઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન
ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાની પરિસ્થિતિની લઈને વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે
ઉલ્લેખનીય છે કે, હવે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે. 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી સંરચનાઓ અરવલ્લી પર્વતનો ભાગ ગણાશે નહીં. આ નિર્ણયને કારણે હવે 90 ટકા પહાડીઓ અરવલ્લીનો હિસ્સો નહીં ગણાય.