સુરતઃ શહેરમાં એક યુવકે તેની મોંઘીદાટ મર્સિડીઝ કારથી રોડ પર ખતરનાક સ્ટંટ કર્યો હતો. કારને 360 ડિગ્રી ઘુમાવ્યાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને 20 વર્ષીય યુવકની અટકાયત કરી હતી.
વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી. વાયરલ વીડિયોમાં મર્સિડીઝની નંબર પ્લેટના આધારે ખબર પડી કે, આ કાર સુરનતા સિટીલાઈટ વિસ્તારમાં રહેતા દાવડા પરિવારની છે. આ કાર તેમનો પુત્ર ચલાવતો હતો. પોલીસે જય દાવડાની અટકાયત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, 20 વર્ષીય જય દાવડા ભગવાન મહાવીર કોલેજમં અભ્યાસ કરે છે. 25 ડિસેમ્બરના રોજ રાત્રે કાર સ્ટંટનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
સુરત એસપીએ જણાવ્યું કે, અલથાણ વિસ્તારમાં ગાડી પર સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. તેની તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ વીડિયો મહાવીર કોલેજ પાસેનો છે. તપાસમાં ગાડી નંબર જીજે 5 આરકે 7600 હોવાનું સામે આવ્યું હતું. રાત્રે 2 થી 4 કલાક દરમિયાન રીલ બનાવવા માટે કારને 360 ડિગ્રી ફેરવવામાં આવી હત. ગાડી નંબરના આધારે તપાસ કરતા સુરતના સૂર્ય પ્રકાશ બિલ્ડિંગમાં રહેતા જય દાવડા હોવાનું સામે આવ્યું હતું. જેની ઉંમર 20 વર્ષ છે. ક્રિસમસની રાત્રે તેણે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે અને મર્સિડીઝને પણ જપ્ત કરી છે.
થોડા મહિના પહેલા એક મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60 ટકા જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી. ભારે જહેમત બાદ માંડ-માંડ તેને બહાર કાઢવામાં આવી હતી અને આ માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. સુરતમાં મર્સિડીઝ કારને ચાલક દ્વારા બીચના કિનારે ઊંડે સુધી રેતીમાં લઈ જવામાં આવી હતી. અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ હતી. દરિયાના મોજાંનો માર એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ મોટાભાગે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.