Tue Dec 09 2025

Logo

White Logo

શું વાત કરો છો? પોલીસે ચોરને જ : ચોરીના રૂપિયા અને મુદ્દામાલ પરત કર્યો!

1 day ago
Author: Mayur Kumar Patel
Video

સુરતઃ  શહેરની રાંદેર પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ, પોલીસે ચોરને જ હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પાસેથી મોટો દલ્લો મળ્યા બાદ ચોર પણ ફરાર થઈ ગયો હતો, હવે પોલીસે તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

શું છે સમગ્ર મામલો

આ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, મકાન માલિક આકાશ શિરોયાનાં ઘરમાંથી એક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને રૂ.2.69 લાખ રોકડ અને સોનાના દાગીના ચોર્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસને એક બાઈક બિનવારસી હાલતમાં મળી હતી. જેમાં એક થેલી લટકાવેલી હતી. આ થેલીમાંથી રોકડા રૂપિયા, દાગીના અને એક દારૂની બોટલ પણ મળી હતી.પોલીસ બાઈકના નંબરના આધારે દક્ષેશ પટેલ સુધી પહોંચી હતી અને રાંદેર પોલીસે મોટી ગફલત કરી નાંખી હતી. 

આ રીતે હકીકત આવી સામે

પોલીસને લાગ્યું હતું કે, આ દક્ષેશ પટેલ જ ખરો માલિક છે અને કોઈપણ પ્રકારની દસ્તાવેજી અથવા ક્રોસ-વેરિફિકેશન કર્યા વિના ચોર પાસેથી મળેલા રૂપિયા અને દાગીના તેને જ પરત સોંપી દીધા હતા. પોલીસે આ કામગીરીને સફળ ગણાવી પોતાનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. પરંતુ થોડા જ સમય બાદ હકીકત બહાર આવી હતી.

કતારગામ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. કતારગામ પોલીસે કેસની જાણકારી મેળવી અને મૂળ ફરિયાદને આધારે તપાસ શરૂ કરી, ત્યારે બહાર આવ્યું હતું કે, ચોરીનો અસલી ભોગ બનનાર આકાશ શિરોયા હતા. દક્ષેશ પટેલ તો આકાશના મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી ભાડેથી રહેતો હતો. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવાઓમાં દક્ષેશનો કોઈ સંબંધ નહોતો. રાંદેર પોલીસે જ મક્કમ પુરાવા વગર તેને ‘માલિક’ બનાવી દીધો હતો. પછી રાંદેર પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને અસલી ચોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે ત્યાં સુધી તો તે ચોર ગુમ થઈ ચૂક્યો હતો.