Thu Jan 01 2026

Logo

White Logo

સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસની તપાસ : હાઈ કોર્ટે કેમ આપ્યો આદેશ?

3 weeks ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ રાજ્યમાં દરરોજ અનેક સગીરાને લગ્નની લાલચે ભગાડી જવામાં આવતી હોય છે. આ અંગે ઘણા વાલીઓ પોલીસ ફરિયાદ નોંધાવે છે. ગુજરાત હાઈ કોર્ટે જામનગરમાં 2019માં સગીરાના અપહરણ અને કથિત સામુહિક દુષ્કર્મ કેસની તપાસ સંબંધિત ગંભીર પાસાની નોંધ લીધી હતી.  જે અંતર્ગત વચગાળાના આદેશમાં, ન્યાયાધીશે વિમલ કે વ્યાસે જામનગરના એસપીને વિગતવાર તપાસ કરવા અને 17 ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો

આ આદેશ આરોપી સુનીલ મગનભાઈ મકવાણા અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન જારી કરવામાં આવ્યો હતો. 6 મે, 2019 ના રોજ 17 વર્ષની સગીરાનું અપહરણ થયા બાદ વિવિધ કલમો હેઠળ ગુનાઓ માટે જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જો કે આ ઘટનાની જાણ 6 મે, 2019 ના રોજ તરત જ ધ્રોલ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.

ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ 

ત્યારબાદ, ફરિયાદીએ 8 મે, 2019 અને ફરીથી 26 જૂન, 2019 ના રોજ જામનગરના ડીએસપીને લેખિત રજૂઆત કરી હતી. આ ઘટનાના બે મહિના પછી અને ફરિયાદીએ ડીજીપી, આઈજીપી અને મુખ્ય સચિવ સહિત અન્યને તેમની રજૂઆતની નકલો મોકલ્યા પછી જ 9 જુલાઈ, 2019 ના રોજ આખરે એફઆઈઆર નોંધાઈ હતી. કોર્ટે નોંધ્યું કે ફરિયાદી પર કથિત રીતે પોલીસ દ્વારા ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

પીડિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

 3 જુલાઈ, 2023 ના રોજ ચાર વર્ષ પછી પીડિતા મળી આવ્યા પછી ચોંકાવનારી વિગત સામે આવી હતી. પીડિતાનું નિવેદન તે જ દિવસે નોંધવામાં આવ્યું હતું, જેમાં તેણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપીઓએ તેની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર આરોપ હોવા પીડિતાને તાત્કાલિક મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી નહોતી કે ફરજિયાત નિવેદન નોંધવા માટે મેજિસ્ટ્રેટ પાસે મોકલવામાં આવી ન હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ કેસમાં દુષ્કર્મના ગુના સંબંધિત કોઈ કલમ ઉમેરવામાં આવી નહોતી. આ મામલે વધુ સુનાવણી 17 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.