Thu Dec 11 2025

Logo

White Logo

અમદાવાદઃ આંગણવાડી અને આશાવર્કર બહેનો : ઉપવાસ પર ઉતરી, જાણો શું છે કારણ...

1 day ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો અને આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના લઘુતમ વેતન વધારી દેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ માંગણીઓ મામલે અનેક વખત સરકારને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા હવે આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે.

ઉગ્ર રીતે સરકારનો વિરોધ કરવાની ચીમકી

આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું કહેવું છે કે, જો સરકાર દ્વારા હજી પણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર રીતે સરકારનો વિરોધ કરવામાં આવશે. આંગણવાડી બહેનો દ્વારા સરકારને આવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી અનેક આંગણવાડી વર્કર અને આશા વર્કરો અત્યારે અમદાવાદ ખાતે આવી પહોંચી છે અને વિરોધ પ્રદર્શન કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો દ્વારા બે દિવસ માટે પ્રતિક ઉપવાસની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેમને માત્ર એક જ દિવસની મંજૂરી આપવામાં આવી છે. આના કારણે આ બહેનો કલેક્ટર કચેરી આગળ જ ધરણા પર બેસી ગઈ હતી. 

શા માટે થઈ રહ્યો છે આ વિરોધ ?

આંગણવાડી બહેનોનું કહેવું છે કે, સરકાર દ્વારા અત્યારે એક બાળક દીઠ શાકભાજીના 10 પૈસા, તુવેર દાળના 60 પૈસા, ફુટ માટે 3 રૂપિયા આપવામાં આવે છે. આટલામાં સરકાર કુપોષણ દૂર કરવા માંગે છે તો અમે કેવી રીતે બાળકોને સારૂ અને સંતુષ્ટ ભોજન આપી શકીએ? સરકાર દ્વારા રૂપિયા નહીં પરંતુ પૈસા લેખે નાણાં આપવામાં આવી રહ્યાં છે. જેવી રીતે અત્યારે મોંઘવારી વધી છે તેને જોતા આટલા નાણાંમાં બાળકોને સારું ભોજન આપી શકાય તેમ નથી તેવું આંગણવાડી બહેનો કહી રહી છે. અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.

10 નવેમ્બરે યોજાઈ હતી શ્રમિક આક્રોશ રેલી 

આ પહેલા પણ 10 નવેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે શ્રમિકો એકત્રિત થયાં હતાં. તેમાં પણ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઈ હતી. તે વખતે  ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા આંગણવાડી બહેનોએ કહ્યું હતું કે, કોર્ટ દ્વારા પગાર વધારા માટે ચુકાદો આપી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. અત્રે ઉલ્લેખની છે કે, આંગણવાડીની બહેનોને તેમના કામ કરતા ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે. જેથી તેમને કાયમી કરવા અને પગાર વધારાનો અમલ કરવાની માંગણીઓ સાથે આ બહેનો શ્રમિક આક્રોશ રેલીમાં જોડાઈ હતી.