રાજેશ યાજ્ઞિક
તમે આ વાંચી રહ્યા હશો ત્યારે ખ્રિસ્તી નવવર્ષના આગમનની ઘડીઓ ગણાઈ રહી હશે. ક્રિસ્મસના આ સમયે હાથમાં ઘંટડી લઈને, ખભા પર થેલો લઈને ભેટ-સોગાદો આપવા નીકળતા સૅન્તાક્લોઝની કથા લોકોને વર્ષોથી રોમાંચિત કરતી રહી છે.
ખેર, સૅન્તાક્લોઝ ભલે એક કાલ્પનિક પાત્ર હોય, ક્રિસ્મસમાં વપરાતી ચીજોનું પોતાનું પ્રતીકાત્મક મહત્ત્વ છે, જે જાણવા જેવું છે. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે, જેમને ખ્રિસ્તીઓ ભગવાનના પુત્ર માને છે. ‘ક્રિસમસ’ નામ ખ્રિસ્તના (Christ) માસ પરથી આવ્યું છે. માસ સેવા (જેને ક્યારેક કોમ્યુનિયન અથવા યુકેરિસ્ટ કહેવામાં આવે છે) એ છે જ્યાં ખ્રિસ્તીઓ યાદ કરે છે કે ઈસુ આપણા માટે મૃત્યુ પામ્યા અને પછી સજીવન થયા.
ક્રિસ્મસ સજાવટ ઉજવણીનો એક મોટો ભાગ છે! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરાગત સજાવટ આપણને ઉત્સવની સાચી ભાવના સાથે કેવી રીતે જોડવામાં મદદ કરી શકે છે?
ક્રિસ્મસનો તારો: ક્રિસ્મસની સજાવટમાં તારો મહત્ત્વનો છે. નાતાલ દરમિયાન રસ્તાની લાઇટ્સ પર લટકતા તારાઓ અથવા નાતાલનાં વૃક્ષો પર ગોઠવેલો તારો આપણે ન જોઈએ તેવું ન બને. આ તારો ઉત્સવના પ્રતીકોમાંનું એક છે. આ તારો બેથલેહેમના તારાનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે જ્ઞાની પુરુષોને ઈસુના જન્મસ્થળ સુધી માર્ગદર્શન આપ્યું હતું. તે દૈવી માર્ગદર્શન, આશા અને અંધકારમાં ચમકતા પ્રકાશનું પ્રતીક છે.
ક્રિસ્મસ ટ્રી: ક્રિસ્મસ ટ્રી વિના ક્રિસ્મસની સજાવટ અધૂરી છે. આ એ વૃક્ષ છે જે સમગ્ર વર્ષ હરિયાળું રહે છે. જે વૃક્ષો આખું વર્ષ લીલાછમ રહેતા હતા, તેઓ લોકો માટે ખાસ અર્થ ધરાવતા હતા. શિયાળાની ઋતુમાં એક લીલુંછમ, ખીલેલું વૃક્ષ લોકોને આશા અને નવા જીવનની યાદ અપાવતું. ઈસુ ખ્રિસ્તને કારણે, આપણે અનંતજીવન મેળવી શકીએ છીએ તેવી માન્યતા છે.
વ્રેથ (Wreath): ઘરના દરવાજે કે બારીઓ પર લટકાવતું આ વ્રેથ વિશેષ પ્રતીક છે. તેમાં વપરાતી વસ્તુઓ મોટાભાગે આખું વર્ષ સદાબહાર રહેનારી હોય છે. ગોળાકાર અને અનંત, નાતાલની માળા શાશ્વતતા, એકતા અને જીવનના અખંડ વર્તુળનું પ્રતિનિધિત્વ કરે છે. પરંપરાગત રીતે ખ્રિસ્તી ઘરોમાં, તે ભગવાનના અનંત પ્રેમનું પ્રતીક ગણાતું હતું.
પાઇન વૃક્ષની ડાળીઓ અને હોલી (Holly)
આ બંનેનો ઉપયોગ વ્રેથ બનાવવા થાય છે. લાલ બોર જેવાં ફળો તેના લીલા અણીદાર પાંદડા સાથે તેમાં વપરાય છે. હોલી પાંદડાની તીક્ષ્ણ ધાર તારણહાર (ઈશુ) નાં માથા પર મૂકવામાં આવેલા કાંટાના મુગટની યાદ અપાવે છે. પાઈનકોન લાંબા સમયથી ફળદ્રુપતા, વૃદ્ધિ અને નવીનીકરણના વચનનું પ્રતીક છે.
મોજાં: સૅન્ટાક્લોઝ આવીને મોજાંમાં ચુપચાપ ભેટ મૂકી જાય છે, તેવી માન્યતા છે. ફાયરપ્લેસ પાસે સ્ટોકિંગ્સ લટકાવવાનો રિવાજ પણ સંત નિકોલસથી જોડાયેલો છે. દંતકથા અનુસાર, તેમણે એક પરિવાર માટે ચીમનીમાં સોનાના સિક્કા ફેંક્યા હતા, જે સુકાઈ રહેલા સ્ટોકિંગ્સમાં પડ્યા હતા - તેથી તેમની અંદર ભેટો શોધવાની પરંપરા છે. સ્ટોકિંગ્સ આશ્ચર્યજનક આશીર્વાદ અને આપવાના આનંદનું પ્રતીક છે.
સ્નોફ્લેક: સ્નોફ્લેક આમ તો બીજું કંઈ નથી પણ બરફનો એક કણ છે. તેનો જેવો આકાર દેખાય તેને જ સજાવટમાં વપરાય છે. કહેવાય છે કે કોઈ બે સ્નોફ્લેક્સ એકસરખા નથી હોતા, જે દર્શાવે છે કે દરેક વ્યક્તિત્વ અલગ હોય છે. દરેક સ્નોફ્લેક એક નાનો માસ્ટરપીસ છે. બરફની ક્ષણિકતા આપણને સર્જનના આશ્ર્ચર્યને નાજુકતાની પણ યાદ અપાવે છે.
કેન્ડી કેન: બાળકોને બહુ ભાવતી કેન્ડી, આપણી દાદાજીની લાકડીની યાદ અપાવે છે. પણ ક્રિસ્મસમાં તેનું પણ પ્રતીકાત્મક મહત્ત્વ છે. ‘કેન્ડી કેન’ ભરવાડની ડાંગનું પ્રતીક છે. લાકડીનો વળાંક ભટકી ગયેલા ઘેટાંને હળવેથી ડોકથી પકડીને ટોળામાં પાછા લાવવામાં મદદ કરે છે. કેન્ડી કેન એ મદદરૂપ હાથનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણે ક્રિસ્મસ સમયે લંબાવવો જોઈએ. કેન્ડી કેન એ પ્રતીક છે કે આપણે આપણા ભાઈઓના રક્ષક છીએ.
લાલ રંગ: લાલ રંગ નાતાલનો પહેલો રંગ છે. તેનો ઉપયોગ ઈશુ દ્વારા લોકો માટે વહેવડાવેલા લોહીની યાદ અપાવવા માટે શરુ થયો હતો. ખ્રિસ્તે પોતાનું જીવન આપ્યું અને પોતાનું લોહી વહેવડાવ્યું જેથી દરેક માણસને ભગવાનની શાશ્વત જીવનની ભેટ મળે. ઊંડો, તીવ્ર, તેજસ્વી લાલ રંગ ભગવાનની ભેટનું પ્રતીક છે.
લીલો રંગ: આ માનવ જાતની શાશ્વત આશા દર્શાવે છે. લીલો રંગ એ કુદરતનો યુવા, આશાવાદી, વિપુલ રંગ છે. લીલુંછમ વૃક્ષ માણસનું શ્રેષ્ઠ મિત્ર છે. વૃક્ષ તેને આશ્રય આપે છે, ફળ અને ફૂલ આપે છે, પ્રકૃતિની શાશ્વતતા અને સૌંદર્યનું તે પ્રતીક છે.
ઘંટડી કે ઘંટ: પરંપરાગત રીતે ઈશુના જન્મની વધાઈ આપવા ચર્ચમાં ઘંટનાદ થાય છે. ઘંટનાદ આનંદના સમાચારની જાહેરાત માટે પણ થાય છે. ખોવાયેલા ઘેટાં ઘંટના અવાજથી મળી આવે છે, તેમ મનુષ્ય પણ જ્યારે માર્ગથી ભટકી જાય ત્યારે તેને પાછા વાળવાનું પ્રતીક છે.
હવે જ્યારે નાતાલની સજાવટ જોઈએ ત્યારે આ પ્રતીકોને તેમના સાચા અર્થની નજરે જોઈશું તો ક્રિસ્મસ ખરેખર અર્થપૂર્ણ બની રહેશે.