Thu Jan 01 2026

Logo

White Logo

રાજસ્થાનના ટૉંકમાં કારમાંથી 150 કિલો વિસ્ફોટક જપ્ત, : બે આરોપીઓની ધરપકડ

1 day ago
Author: Mumbai Samachar Team
Video

રાજસ્થાનના ટૉંક જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. શંકાસ્પદ હલચલ પર નજર રાખી રહેલી પોલીસ ટીમે એક લક્ઝરી કારને અટકાવીને તપાસ કરતા સુરક્ષા કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિસ્ફોટકોનો આ મોટો જથ્થો પકડાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક મારૂતિ સિયાઝ કારમાંથી આ ખતરનાક વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે 150 કિલો એમોનિયમ નાઈટ્રેટને યુરિયા ખાતરની ગુણીઓમાં છુપાવી રાખ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ જથ્થો કોઈ મોટી વિસ્ફોટક પ્રવૃત્તિ માટે લઈ જવામાં આવતો હોવાની આશંકા સેવાઈ રહી છે.

માત્ર એમોનિયમ નાઈટ્રેટ જ નહીં, પરંતુ પોલીસે કારમાંથી વિસ્ફોટ કરવા માટે વપરાતી 200 નંગ સ્પેશિયલ બેટરીઓ અને આશરે 1100 મીટર લાંબો વાયર પણ શોધી કાઢ્યો છે. આટલી મોટી માત્રામાં ડિટોનેટરને સપોર્ટ કરતી સામગ્રી મળી આવતા પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો. વિસ્ફોટકોના આટલા મોટા જથ્થા સાથે પકડાયેલી કારને પણ કબજે લેવામાં આવી છે.

આ મામલે પોલીસે સ્થળ પરથી બે શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સુરેન્દ્ર અને સુરેન્દ્ર મોચી તરીકે થઈ છે. હાલમાં બંનેની અજાણ્યા સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવા માંગે છે કે આ આરોપીઓ કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે કે પછી ગેરકાયદેસર માઇનિંગ (ખાણકામ) માફિયાઓ માટે આ માલ લઈ જઈ રહ્યા હતા.

આ ઘટના બાદ ટૉંક અને તેની આસપાસના જિલ્લાઓમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. ડીએસપીના જણાવ્યા અનુસાર, આ કેસમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે. એમોનિયમ નાઈટ્રેટનો આટલો મોટો જથ્થો અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતો, પરંતુ સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે. પોલીસ હવે આરોપીઓના કોલ ડિટેલ્સ અને નેટવર્કની તપાસ કરી રહી છે.