અમદાવાદ: રાજ્યના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. અમદાવાદના ઓઢવ પાસેના એક ગામમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આજે મોડી રાત્રે આગ લાગવાની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફેક્ટરીમાં મજૂરો કરી રહ્યા હતા કામ
ઓઢવ વિસ્તાર નજીક આવેલા સિંગરવા ગામ પાસે સાગર કેમિકલ્સ કંપની કાર્યરત છે. આ કેમિકલ ફેક્ટરીમાં રાતના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ સમયે ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા. ધીમેધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
દુર્ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર અને ઇમર્જન્સી સર્વિસની (Emergency Service) ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. કેમિકલ ફેક્ટરીમાં આગને કાબૂમાં લેવી મુશ્કેલ હતી. પરંતુ ભારે જહેમત બાદ ફાઇટર્સે આગ પર કાબૂ મેળવ્યો હતો.
બોઇલર ફાટ્યું હોત તો…
કેમિકલ્સ અને બાકીની કેટલીક સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. રાહતની વાત તો એ છે કે, કેમિકલ ફેક્ટરીમાં બોઇલર પણ હતા. પરંતુ આગથી તેને કોઈ નુકસાન થયું ન હતું. જો બોઇલર ફાટતું તો મોટી જાનહાનિ થઈ શકતી હતી.
ઉલ્લેખનીય છે કે, સાગર કેમિકલ્સ કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનને આગ લાગવાનું કારણ ગણવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળ પહોંચીને તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે, જેમાં વટવા GIDC, ચાંદખેડા અને અન્ય વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી છે.