કવિતા યાજ્ઞિક
કોઈપણ ફળ જો લાંબો સમય પડ્યું રહે તો તે સડવા માંડે છે અને તેમાંથી દુર્ગંધ આવવી શક્ય છે. પણ ગુજરાતના એક મંદિર પાસે શ્રીફળનો પહાડ છે. હા, ઢગલો શબ્દ તો બહુ નાનો છે. લાખો શ્રીફળનો રીતસરનો પહાડ ઉપર આકાશ અને નીચે ધરતી પર ખુલો પડ્યો છે. ટાઢ, તાપ અને વરસાદમાં આ રીતે જ ખુલા પડી રહેલા આ લાખો શ્રીફળ સડતા નથી, કે નથી તેમાંથી દુર્ગંધ આવતી. આપણે તેને ચમત્કાર માનીશું કે બીજું કંઈ? આ મંદિર છે, રામદૂત હનુમાનનું.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી 4 કમી દૂર ગેળા ગામમાં આ અનોખું મંદિર આવેલું છે. મંદિરના દેવ પણ ગેળા હનુમાન તરીકે સિદ્ધ છે. મંદિરનો ઇતિહાસ આશરે 600 થી 700 વર્ષ પુરાતન હોવાનું મનાય છે. લોકવાયકા પ્રમાણે ગેળા ગામે કેટલાક ગોવાળ ગાયો ચરાવતા અને ખીજડાના ઝાડ નીચે આરામ કરવાનો તેમનો નિયમ હતો. એક વખત ખીજડાના ઝાડ નીચે તેમણે હનુમાનની મૂર્તિ વૃક્ષના થડમાંથી બહાર નીકળતી હોય તેવી જોઈ ત્યારથી લોકો તેની પૂજા કરે છે.
ગેળા હનુમાનનું આ મંદિર બહુ સાધારણ છે. કોઈ નકશીદાર ભવ્ય ઇમારત નથી. મંદિરના કેન્દ્રમાં ખીજડાનું વૃક્ષ છે. વૃક્ષના થડમાં બેઠેલી મૂર્તિ એક ફૂટ બહાર છે. બાકીની મૂર્તિ વૃક્ષની અંદર જ છે. એવું કહેવાય છે કે સો વર્ષ પહેલાં લોકોએ આ મૂર્તિને બહાર કાઢવા માટે કેટલાક પ્રયત્નો કર્યાં પરંતુ તમામ પ્રયત્નો છતાં તેમાં કોઇને સફળતા મળી નહોતી. તેમણે આ મૂર્તિની આજુબાજુ પાંચ-છ ફૂટ ખોદકામ કર્યું પણ આ મૂર્તિનો છેડો ન આવ્યો.
પછી તેમણે આ મૂર્તિને સાંકળથી પાડાઓ દ્વારા બહાર ખેંચી પણ આ મૂર્તિ બહાર ન આવી અને સાંકળો તૂટી ગઇ સાથે સાથે પાડા પણ મરી ગયા. તે પછી મૂર્તિને સંપૂણ બહાર કાઢવાના બધા પ્રયત્નો પડતા મુકાયા અને જે સ્વરૂપમાં હનુમાન બિરાજમાન છે, તે સ્વરૂપમાં જ તેમનું પૂજન થાય છે. આ ચમત્કારિક હનુમાન મંદિર સાથે એક લોક દંતકથા જોડાયેલી છે.
લગભગ 50-60 વર્ષ પહેલાં, થરાદના અશોદરા મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ચઢાવેલા નારિયેળ બાળકોને પ્રસાદ તરીકે વહેંચ્યા, જેના કારણે તેઓ બીમાર પડી ગયા. સંતે હનુમાન દાદા પાસે પ્રાર્થના કરી કે માંદા પડી ગયેલાં બાળકો જો સાજા થઇ જશે તો જેટલા ફળ વહેંચ્યા તેનાથી બમણાં તમને ચઢાવીશ. ખરેખર બાળકો સાજા થઇ ગયા.
અશોદરા મઠના તપવી મહંત હરદેવપુરી મહારાજે માનેલી માનતા પ્રમાણે દેવને શ્રીફળ તો ચઢાવ્યા, પરંતુ હનુમાનને મહેંણું માર્યું, જો તમારા નારિયેળ બાળકોને પ્રસાદ તરીકે આપવાને કારણે ખતમ થઈ જતા હોય; અને મારા જેવા સંતે પ્રસાદ વહેંચવાથી દોષ લાગતો હોય તો અહીંયા નાળિયેરનો ઢગલો કરીને બતાવજો! તે દિવસથી, અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી. દાયકાઓ વીતી ગયા છતાં અહીં શ્રીફળનો ઢગલો ઓછો થતો નથી, ઊલટું દિવસો દિવસ ભક્તોનો ધસારો એટલો વધી ગયો છે કે અહીં શ્રીફળનો પહાડ બની ગયો છે.
આ મંદિર નારિયેળવાળા હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. અનેક લોકો આ મંદિર ચાલીને આવવાની માનતા માને છે અને 10થી 15 કલોમીટર ચાલીને આવે છે. શનિવારે, તો અહીંયા મેળો હોય તેવું વાતાવરણ જોવા મળે છે, જે દેશ અને દુનિયાભરના ભક્તોને આકર્ષે છે. અહીંયા શનિવારની માફક પૂર્ણિમાના દિવસે પણ દર્શન કરવાનું અનેરું મહત્ત્વ છે. લોકો અહીં માનતા માને છે, અને માનતા પૂર્ણ થતાં હનુમાનને શ્રીફળ ચઢાવે છે.
કહેવાય છે કે અહીં શ્રીફળનો ઢગ ખુલેઆમ પડયો હોવા છતાં કોઈ એકપણ શ્રીફળ ચોરી શકતું નથી. જો કોઈ પ્રયત્ન કરે તો તેના દુષ્પરિણામ ભોગવવા પડે છે. એટલુંજ નહીં, એક શ્રીફળ ચોરવાનો પ્રયત્ન કર્યો હોય તો દોષ મુક્તિ માટે સામે પાંચ શ્રીફળ ચઢાવવા પડે છે. આજે સ્થિતિ એ છે કે મંદિરની ઊંચાઈ જેટલી છે, તેના કરતાં વધુ ઊંચો તો શ્રીફળનો પહાડ છે! જે દિવસો દિવસ વધી જ રહ્યો છે. કહેવાય છે કે અહીં લગભગ એક કરોડ જેટલાં શ્રીફળ છે, જે એક ધાર્મિક રેકોર્ડ છે. હનુમાન પ્રત્યેની લોકોની અતૂટ શ્રદ્ધાનું એ પ્રતીક છે.