વોશિંગ્ટન: અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા તાજેતરમાં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન કેસ સાથે જોડાયેલા આશરે 30,000 પાનાના દસ્તાવેજો અને અનેક વીડિયો ક્લિપ્સ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા નવા ટ્રાન્સપરન્ટ કાયદા હેઠળ આ વિગતો સાર્વજનિક કરવામાં આવી છે. આ દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટીનના ખાનગી જેટમાં મુસાફરી કરવાના રેકોર્ડમાં સામે આવ્યું છે. જોકે, ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ગુનાહિત કૃત્યના પુરાવા મળ્યા નથી અને આ આરોપો પાયાવિહોણા છે.
જાહેર કરવામાં આવેલા રેકોર્ડ્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે 1993થી 1996 દરમિયાન એપસ્ટીનના પ્રાઈવેટ જેટમાં 8 વખત મુસાફરી કરી હતી. જાન્યુઆરી 2020ના એક ઈ-મેલ ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે આ મુસાફરી દરમિયાન કેટલીક ફ્લાઈટ્સમાં ટ્રમ્પની સાથે તેમની તત્કાલીન પત્ની માર્લા મેપલ્સ અને બાળકો પણ હતા. આ ઉપરાંત, કેટલીક ફ્લાઈટ્સમાં એપસ્ટીનની કથિત પ્રેમિકા અને માનવ તસ્કરીની દોષિત ઘિસ્લેન મેક્સવેલ પણ સાથે હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે એપસ્ટીનનું 2019માં જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.
આ દસ્તાવેજો જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. અમેરિકી ન્યાય વિભાગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પ વિરુદ્ધના કેટલાક દાવાઓ 'ખોટા અને સનસનીખેજ' છે, જે 2020ની ચૂંટણી પહેલા FBIને સોંપવામાં આવ્યા હતા. વિભાગે ઉમેર્યું કે જો આ વાતોમાં સત્ય હોત તો તેનો ઉપયોગ ક્યારનોય ટ્રમ્પ વિરુદ્ધ થઈ ચૂક્યો હોત. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે આ ખુલાસાઓને તેમની સફળતા પરથી ધ્યાન ભટકાવવાનો એક પ્રયાસ ગણાવ્યો છે.
આ અગાઉ જાહેર થયેલી ફાઇલોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની એપસ્ટીન સાથેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેના કારણે રિપબ્લિકન પાર્ટીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલમાં જે દસ્તાવેજો બહાર આવ્યા છે તેમાં ઘણી સંવેદનશીલ માહિતીને સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ આ ખુલાસાઓએ અમેરિકાના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાડી છે.