Sat Dec 13 2025

Logo

White Logo

શુક્રવારથી દુબઈમાં જેન-ઝી ક્રિકેટરોની : એશિયા કપ વન-ડે ટૂર્નામેન્ટ

1 day ago
Author: Ajaj Motiwala
Video

14 વર્ષના સૂર્યવંશી પર સૌની નજર, રવિવારે ભારતીયોની પાકિસ્તાનીઓ સામેની નો હૅન્ડશેક નીતિ ફરી ચર્ચા જગાવશે


દુબઈઃ સપ્ટેમ્બરમાં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ભારતે દુબઈ (Dubai)માં પાકિસ્તાનને ફાઇનલમાં પછડાટ આપીને ટી-20 એશિયા કપનું ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું એ જ શહેરમાં રવિવારે (સવારે 10.30 વાગ્યે) ભારત અને પાકિસ્તાનના જુનિયર ક્રિકેટરો વચ્ચે મુકાબલો થશે, પરંતુ એ પહેલાં આ જ શહેરમાં શુક્રવાર, 12મી ડિસેમ્બરે મેન્સ અન્ડર-19 વન-ડે એશિયા કપ (સવારે 10.30 વાગ્યે) શરૂ થઈ રહ્યો છે જેમાં ભારતની પ્રથમ મૅચ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વિરુદ્ધ રમાશે.

ફરક માત્ર એટલો છે કે 28મી સપ્ટેમ્બરે સૂર્યકુમારની ટીમે દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સલમાન આગાની પાકિસ્તાની ટીમને એ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજો પરાજય ચખાડ્યો હતો, જ્યારે રવિવારે ભારત-પાકિસ્તાન ટક્કર દુબઈના આઇસીસી ઍકેડેમીના મેદાન પર થશે. ચર્ચાનો મુખ્ય મુદ્દો અત્યારે તો એ છે કે આ મૅચ માટે પણ બીસીસીઆઇ પાકિસ્તાની પ્લેયર્સ સાથેની નો હૅન્ડશેક (No handshake) નીતિ જાળવી રાખશે?

જનરેશન-ઝેડ માટેની ` જેન-ઝી' એવી સંજ્ઞા છે જે 1990ના દાયકાના છેવટના વર્ષોથી માંડીને 2000ના દાયકાના શરૂઆતના વર્ષો વચ્ચે જન્મેલી વ્યક્તિઓને લાગુ પડે છે. દુબઈમાં અન્ડર-19 એશિયા કપ જેન-ઝી (Gen-Z) એશિયા કપ તરીકે પણ ઓળખાવી શકાશે.

શુક્રવારે ભારતની યુએઇ સામેની પહેલી મૅચ માટેની ટીમના 14 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. મુંબઈનો આયુષ મ્હાત્રે ભારતીય ટીમનો કૅપ્ટન છે.

ભારત-પાકિસ્તાન સેમિમાં પહોંચશે એ લગભગ નક્કી

આઠ ટીમ વચ્ચેની આ ટૂર્નામેન્ટમાં ચાર-ચાર ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત-પાકિસ્તાન ગ્રૂપ-એમાં છે અને તેઓ સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે એ લગભગ નક્કી જણાય છે. તેમના ગ્રૂપમાં યુએઇ ઉપરાંત મલયેશિયા પણ છે. ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ છે.

ભારતીયો ફરી હાથ નહીં જ મિલાવે?

સપ્ટેમ્બરમાં સૂર્યકુમારના સુકાનમાં ભારતીય ટીમે અને ત્યાર બાદ વન-ડેના મહિલા વર્લ્ડ કપમાં અને પછી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ પહલગામના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને અંજલિ આપવાના હેતુથી તેમ જ ભારતીય સૈન્યને સપોર્ટ કરવાના ઇરાદાથી પાકિસ્તાની પ્રતિસ્પર્ધીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. હવે અન્ડર-19 ટૂર્નામેન્ટમાં આઇસીસી ઇચ્છે છે કે રાજકારણને આ ટૂર્નામેન્ટથી દૂર રાખવામાં આવે. બીજી રીતે કહીએ તો આઇસીસી ઇચ્છે છે કે ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવે. જોકે ભારતીય ટીમ જો (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચની ઔપચારિકતા તરીકે) પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવવાના હોય તો એ સંબંધમાં ભારતીય ટીમના મૅનેજરે આઇસીસી દ્વારા નિયુક્ત મૅચ રેફરીને અગાઉથી એ વિશે જાણ કરી દેવી પડશે.

ભારતીય અન્ડર-19 ટીમઃ

આયુષ મ્હાત્રે (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિજ્ઞાન કુન્ડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન અને આરૉન જ્યોર્જ.