અમેરિકાએ પાકિસ્તાનને તેના F-16 લડાકુ વિમાનો માટે $686 મિલિયન (લગભગ ₹5,800 કરોડ) ની આધુનિક ટેક્નોલોજી અને સહાય વેચવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકન ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) એ 8 ડિસેમ્બરના રોજ આ અંગે કોંગ્રેસને પત્ર મોકલ્યો છે.
નિષ્ણાતોના મતે, આ પ્રકારની સંરક્ષણ ડીલ સામાન્ય રીતે સરળતાથી મંજૂર થઈ જાય છે. આ પગલાથી પાકિસ્તાની વાયુસેનાના જૂના F-16 વિમાનોને નવી ક્ષમતાઓ પ્રાપ્ત થશે, પરંતુ તેનાથી દક્ષિણ એશિયાના સૈન્ય સંતુલન અને ભારતની સુરક્ષા પર ચિંતા વધી છે.
આ સહાય પેકેજનું સૌથી મહત્વનું પાસું Link-16 ડેટા લિંક સિસ્ટમ છે. આ Link-16 સિસ્ટમ અમેરિકા અને નાટો (NATO) દેશોનું સુપર-સિક્યોર કમ્યુનિકેશન નેટવર્ક છે, જે યુદ્ધ દરમિયાન મિત્ર-શત્રુની ઓળખ, હથિયારોના સંકલન (Co-ordination) અને રિયલ-ટાઇમ માહિતીની આપ-લે કરે છે.
આ સિસ્ટમ જામિંગથી પણ રક્ષણ આપે છે. આ પેકેજમાં ક્રિપ્ટોગ્રાફિક (ગુપ્ત કોડ) ઉપકરણો, નવા એવિયોનિક્સ, પાઇલટ ટ્રેનિંગ, સિમ્યુલેટર, સ્પેરપાર્ટ્સ, સોફ્ટવેર અપડેટ્સ અને માત્ર ટેસ્ટિંગ માટે 6 નિષ્ક્રિય Mk-82 બોમ્બનો સમાવેશ થાય છે. આ અપગ્રેડથી પાકિસ્તાનના F-16 વિમાનોની ઉંમર 2040 સુધી વધી જશે અને તેમની ઉડાન સુરક્ષામાં સુધારો થશે.
DSCA ને મોકલેલા પત્રમાં અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ વેચાણ પાકિસ્તાનને આતંકવાદ સામે અમેરિકા અને તેના ભાગીદાર દેશો સાથે મળીને કામ કરવા માટે સક્ષમ બનાવશે. વધુમાં, ભવિષ્યના સંઘર્ષોમાં પાકિસ્તાની વાયુસેના (PAF) અમેરિકન વાયુસેના (USAF) સાથે સરળતાથી તાલમેલ બેસાડી શકશે. અમેરિકાએ દાવો કર્યો છે કે આ ડીલ દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન બગાડશે નહીં, કારણ કે પાકિસ્તાન પાસે પહેલાથી જ F-16 વિમાનો છે અને તે નવી ટેક્નોલોજીનો ઉપયોગ સરળતાથી કરી શકશે.
ભારત માટે આ ડીલ ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું કહેવું છે કે Link-16 જેવી સંવેદનશીલ ટેક્નોલોજી પાકિસ્તાનને અમેરિકા-નાટો સ્તરની સૂચના અને કમાન્ડ શેર કરવાની શક્તિ આપશે. હાલમાં ભારત પાસે Link-16 નથી, અને તે રશિયન અને ઇઝરાયેલી સિસ્ટમ્સનો ઉપયોગ કરે છે. 2019ના બાલાકોટ હુમલા પછી અમેરિકાએ પાકિસ્તાનના F-16 માટે સ્પેરપાર્ટ્સ પણ રોકી દીધા હતા, ત્યારે અચાનક આટલું મોટું પેકેજ મંજૂર કરવું અનેક સવાલો ઊભા કરે છે.
જોકે, અમેરિકાનું કહેવું છે કે આ વેચાણ માત્ર આતંકવાદ વિરોધી લડાઈ અને વિમાનોની સુરક્ષા માટે છે, કોઈ નવા હથિયાર કે મિસાઈલ આપવામાં આવી રહી નથી. કોંગ્રેસ પાસે આ મંજૂરી રોકવા માટે 30 દિવસનો સમય છે, પરંતુ સામાન્ય રીતે આવા સોદા પસાર થઈ જાય છે. ભારત હવે પોતાના રાફેલ, સુખોઈ-30 અને આગામી AMCA પ્રોજેક્ટ પર વધુ ઝડપથી કામ કરી રહ્યું છે.