Thu Jan 01 2026

Logo

White Logo

ભજનનો પ્રસાદ : ઈસ્માઈલી ગિનાનનો પડઘો: ગુજરાતી રવેણી ભજન

3 days ago
Author: Mumbaisamachar Team
Video

ડૉ. બળવંત જાની

કેવી રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, કેવી રીતે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવીને વિકાસ પામી એની વિગતો અહીં જે પ્રકારની છે તેમાં અહીંની તળ ગુજરાતની  સૃષ્ટિની ઉત્પત્તિની પરંપરાની વિગતોનો પ્રતિઘોષ-પડઘો સંભળાય છે. મુસ્લિમ સંત પીર શમ્સ સૌથી વધુ સમય ગુજરાતમાં રહેલા, તેમણે ભારતીય દર્શન પરંપરાનો ઊંડો અભ્યાસ કરેલો અને પછી એ શાસ્ત્રોને આધારે સ્થાનિક પ્રજા, તળ પ્રદેશની લોહાણા પ્રજાને પ્રબોધીને ખોજાને નીજારી ઈસ્માઈલી પંથ તરફ વાળેલા. 

પીર શમ્સની પરંપરામાં પીર સદરૂદીન અને હસનકબીરદીનની પણ સૃષ્ટિની ઉત્પત્તિના કથાનકવાળી ગદ્યમાં ગિરભાવલીશાસ્ત્ર અને બ્રહ્મ ગાવંત્રી નામની રચનાઓ પણ મળે છે. પરંતુ મહાપંથી રવેણી ભજનો સાથે સવિશેષ સામ્ય ધરાવતી પદ્ય રચનાઓ તો ઈમામશાહની જુગેશરના ગિનાનો જ છે. એને આધારે કહી શકાય કે ખોજાઓના ધાર્મિક વિધિ-વિધાન સાથે ભારતીય પરંપરાના વિધિ-વિધાનો ગાઢ રીતે જોડાઈ ગયા છે. 

મહાપંથ એ આપણે ત્યાં પ્રવર્તમાન સંપ્રદાયમાં જૂનામાં જૂનો સંપ્રદાય મનાયો છે. એનાં મૂળ બૌજાતક અને મહાભારત આદિમાં છે. મોટાભાગના મહાપંથી ભજન રચિયતાઓએ રવેણી રચનાઓ રચી છે. રવેણી ભજનનો એક પ્રકાર છે. ભજન કંઠસ્થપરંપરાનું સાહિત્ય સ્વરૂપ છે. એ લિખિતપરંપરામાં પણ ઉપલબ્ધ હોઈને મધ્યકાલીન સાહિત્ય સાથે એને અનુબંધ છે. 

ભજન કંઠસ્થ પરંપરામાં વિશેષ માત્રામાં ઉપલબ્ધ અને કંઠસ્થ કરવાનું અને રજૂ કરવાનું - હોઈને એનો લોકસાહિત્ય સાથે પણ સમાવાયુ છે, પરંતુ હકીક્તે બન્ને પરંપરાની વિશિષ્ટતાઓ ધરાવતું ભજનનું એ એક અનોખું સ્વરૂપ છે. કંઠસ્થપરંપરા સાથે એનો, પ્રગાઢ સંબંધ હોઈને એના સંદર્ભોને પણ અભ્યાસ દરમ્યાન ખપમાં લેવા જોઈએ. 

રવેણી રચનાઓ મને ભજનસ્વરૂપમાંનો જૂનામાં જૂનો પ્રકાર લાગે છે. ભજન આપણે ત્યાં નાથ પરંપરાના ચર્ચાપદો તથા રવિ-ભાણ સંપ્રદાયથી વિશેષપણે પ્રચારમાં આવેલું સ્વરૂપ છે, પણ એનાં મૂળ-કુળ મહાપંથમાં જણાય છે. ભજન-કીર્તન ગાનની ક્રિયા ભક્તિનો જ એક પ્રકાર ગણાય છે. નરસિંહ પણ ભોર થયા લગ ભજન કીધું ગાય છે તે આ અર્થમાં છે. 

રવેણી ભજનના રચયિતાઓમાં ધર્મરાજા અને માર્કંડ ૠષિ એ બે નામોલ્લેખો એની પ્રાચીનતા માટે ચીંધી શકાય છે. ઈસ્માઈલી પરંપરામાં સહદેવ જોશી, ધ્રુવ, પ્રહ્લાદને નામે અનેક રચનાઓ ચડેલ છે તેમ તેવા પ્રકારની આ નામછાપ નથી જણાતી. 

વિષયસામગ્રી પણ પ્રાચીન સંદર્ભોથી સભર છે. ધર્મરાજા અને શિવજી આ સંપ્રદાયના દીક્ષિત હતા એવું સંપ્રદાયની મહત્તા વધારવા માટે પ્રચારમાં મૂક્યું હોય તેવું અનુમાન કરતાં પ્રાચીન સંદર્ભો, ઉલ્લેખો આપણને રોકે છે. મકરંદ દવે તો ઓરિસ્સાના અલખ સંપ્રદાય અને બંગાળના બાઉલ સંપ્રદાયની સાથે મહાપંથને તુલનાવાયાના અભ્યાસનો નિષ્કર્ષ આપીને માર્કંડ ૠષિને એકત્વ સાધનાર મોટા ગજાનો ભજનિક માને છે તે ઘણું તર્કપૂત પણ લાગે છે. 

એ રીતે વિષયસામગ્રી અને રચયિતાઓને આધારે રવેણી ભજનસ્વરૂપમાં જૂની પ્રારંભની ભજન રચનાઓ જણાય છે. રવેણીને જયમલ્લ પરમાર આગમ સંજ્ઞાથી આપણી લોકસંસ્કૃતિ પુસ્તકમાં પરિચય કરાવે છે. તેઓ ભૂતકાળની ઘટનાઓને નિર્દેશતી-ઉત્પત્તિની કથાઓને સાંકળી લેતા ભજનોને પણ આગમ તરીકે ઓળખાવે છે. આગમનો બીજો પ્રકાર તે ભવિષ્યને અનુલક્ષીને જે ભજનો રચાયાં છે તે - એમ ભૂતના અને ભાવિના આગમો તરીકે નિર્દેશ કરી આગમવાણીમાં જ રવેણીને તેમણે સમાવિષ્ટ કરી લીધી છે. તેઓ રવેણી સંજ્ઞા પણ પ્રયોજે છે.

મકરંદ દવે જેવા અધ્યાત્મવિદ્યાના અભ્યાસી મહાપંથનો પરિચય આપણાં એમાંના બીજના પ્રાચીન સંદર્ભ માટે ચાંદ્રપંથ અને સૌરપંથનો નિર્દેશ કરીને આ પ્રભાવ કેટલો વ્યાપક રહ્યો એની વિગતો રજૂ કરતાં લેખે છે કે, બીજનું પ્રતીક ઈસ્લામમાં પણ કેવું છવાયેલું છે. આ બીજનું મહત્ત્વ મહાપંથમાં વિશેષ છે તે દર્શાવવા માર્કંડ ૠષિની રવેણીનો તેઓ પરિચય આપે છે. ગુજરાતના ખેડબ્રહ્માના વિસ્તારના ડિંગરી ગરાસિયા આદિવાસીઓની ભીલોના ભારતની કથામાં પણ કુંતા અને દ્રૌપદી મહાપંથની દીક્ષિત અને સિદ્ધિ પામેલી સતીઓ તરીકે જ દર્શાવવામાં આવી છે. 

એમાં યુધિષ્ઠિર આ પંથથી દીક્ષિત થવા માટે કુંતા, દ્રૌપદી આદિ પાસે જઈને બધી જ શરતો સ્વીકારીને મહાપંથી બને છે એની વિગતો છે. માર્કંડ ૠષિનું પાત્ર પણ અત્યંત પ્રાચીન છે. શાક્ત, નાથપંથ શૈવ, વૈષ્ણવ એમ તમામ પરંપરા સાથે આ ચિરાયુ ૠષિનો સંપર્ક છે. મહાપંથી રવેણીના ધર્મરાજા માફક માર્કંડ ૠષિ પણ ઉદ્ગાતા છે. ઝવેરચંદ મેઘાણી સોરઠી સંતવાણીમાં કબીર પછી ધર્મરાજા રચિત આગમ મૂકે છે. 

માર્કંડ ૠષિના માર્ગદર્શનથી યુધિષ્ઠિર-ધર્મરાજાએ, કુંતામાતાના કહેવાથી દ્રૌપદી પાસેથી મહાપંથની દીક્ષા લીધી. પછી એમણે રચેલી રવેણીમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. આમ રવેણી પ્રકારનું પદ-ભજન સૃષ્ટિ ઉત્પત્તિના કથાનકકને સમાવતો ભજન પ્રકાર જણાય છે. ઝવેરચંદ મેઘાણીએ સોરઠી સંતવાણીમાં આઠ જેટલી રવેણીને સ્થાન આપ્યું છે. એમાંની માર્કંડૠષિની નામછાપ ધરાવતી રચના આસ્વાદીએ.

રાજા પૂછે છે રે યુધિષ્ઠિર પૂછે છે રે, 
કહોને ૠષિ કહો મોટા દેવ હાં.        ...1
મહારો ધર્મ ક્યાંથી થયો હાં,     
ધરણીથી પેલો રે ધરમ ઘુનો રે હાં.      ...2
તે દી ચાંદો સૂરજ દોનું નહીં,     
પણ પવન પાણી આકાશ નહીં.         ...3
તે દી નિરંજન નિરાકાર હતાં હાં,     
તેજ પીંજરની માયા છે ન્યારી રે હાં.      ...4
ચૌદ બ્રહ્માંડ તે એમાં હતાં હાં, 
શ્વાસ ઉચ્છવાસથી બે વચન પેદા ર્ક્યા.      ...5
ત્યારે નિયાજીનું થાપન એને ર્ક્યું હાં,
શ્વાસ રૂપી તો માયા કહી જે 
ઉસાશ્વાસ તે નિરાકાર છે.            ...6
તેનું ભજન કરીને ભવ જળ તરીએ એ તો,
અજપા જાપ જપીએ હાં.                   ...7
એની વાતુન કોક વીરલા જાણે રે હાં,
ને પૂરા હશે તે પામશે.               ...8
કહે ૠષિ મારકંડ સાંભળો રાજા ધરમ,
મરજીવા હશે તે ધર્મ માણશે હાં.           ...9

માર્કંડ ૠષિકૃત આ રવેણીમાં ધરતીની પહેલાં ધર્મ હતો એવી વિગત છે અને પછી ચંન્દ્ર, સૂરજ ન્હોતા પવન, પાણી અને આકાશ ન્હોતું, ત્યારે નિરંજન નિરાકાર પ્રગટયા અને તેજ પિંજરની માયા દ્વારા ચૌદ બ્રહ્માંડને એમાં પ્રગટ ર્ક્યો, શ્વાસ અને ઉચ્છવાસ એવા બે વચન પ્રગટ ર્ક્યાં. ત્યારબાદ શ્વાસ રૂપી માયા અને ઉચ્છવાસરૂપી નિરાકાર પ્રગટ થયા. જે કોઈ પૂર્ણ ધર્મી હશે તે જ આ સૃષ્ટિની ઉત્પત્તિની કથાને સમજી શકશે, એટલી વિગતો સ્થાન પામી છે. ભારતીય પરંપરા પ્રમાણેની વિગતો અહીં થોડા અંશરૂપ ટૂંકા મુદાઓ સાથે સ્થાન પામેલી જોઈ શકાય છે.