Mon Dec 08 2025

Logo

White Logo

વલો કચ્છ : ખાયણાં ગાઉ ને હીંચકે રે ઝૂલું, રમત સઘળી ભૂલું, કે રૂડાં મારા ખાયણાં

1 day ago
Author: Mumbaisamachar Team
Video

 - ડૉ. પૂર્વી ગોસ્વામી

નારી જીવનની વ્યથાને જુદાં-જુદાં રૂપોમાં ખાયણાંએ વાણી આપી છે, એની કલા-સૃષ્ટિ અદ્ભુત છે. થોડામાં થોડા શબ્દોમાં સહજતાથી મર્મને આ સ્પર્શી જાય એવી છે એની યોજના, લાઘવ લોકવાણીનો પ્રાણ છે, અને આ પ્રાણવત્તા ખાયણાંમાં પ્રગટે છે. એક ઉદાહરણ લઈએ.

‘તળાવની પાળે મા ને દીકરી મળ્યાં 
ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં કે સરવર ભરાયાં!’

નારી જીવનની વિવશતાનું કેવું માર્મિક ચિત્ર છે! તળાવની પાળે મા અને દીકરી મળે છે. બન્ને ધ્રૂસકે-ધ્રૂસકે રડે છે. આંસુઓથી સરોવર ભરાઈ જાય છે! આ નાનકડી પંક્તિઓમાં આપણા સમાજની વિડમ્બના, વ્યથા, જડ-પરમ્પરાની દાસતા, મા અને દીકરી બન્નેની લાચારી કોણ જાણે કેટકેટલી અકથ કથાઓ ગૂંથાઈ હશે. એમાં !

હિંદીના કવિ બિહારીના દોહરાઓ માટે કહેવાયું છે: 
‘સતસૈયા કે દોહરે જ્યોં નાવક કે તીર, 
દેખન મેં છોટે લગે, ઘાવ કરે ગંભીર.’
આ ઉક્તિઓ ખાયણાં માટે પૂર્ણત: લાગુ પડે છે.
આપણા પુરુષપ્રધાન સમાજમાં નારીજીવન અનેક અસંગતિઓ અને વિડમ્બનાઓથી ભરેલું છે. એ સ્થિતિનું તાદશ ચિત્ર આપણા રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તના શબ્દોમાં અંકિત છે:

‘અબલા જીવન હાય! તુમ્હારી યહી કહાની,
આંચલ મેં હૈ દૂધ ઔર આંખોંમેં પાની !’
આ જ ભાવને ગુજરાતી લોકગીત ખાયણામાં પણ અભિવ્યક્તિ મળી છે:

‘આ રે જગતમાં નારીનો નહિ ભાર,
હલકો તે અવતાર, કે અબળા જાતનો !’
માત્ર આ ભાવ જ નહિ પણ અધિકાંશ નારી મનોભાવોને વાણી આપવામાં કોઈ પણ કાવ્યરૂપ સંપૂર્ણ સક્ષમ હોય તો તે ખાયણાં જ છે.

અનાજ ખાંડતી વખતે ગવાતાં ગીતો તે ખાયણાં એને રસમય શૈલીમાં રજૂ કરતાં મેઘાણીભાઈ લખે છે. ખાયણાં એટલે ધાન ખાંડતાં-ખાંડતાં ખાંડણિયા ઉપર બેસીને ગવાતાં ત્રણ-ત્રણ નાજુક પંક્તિઓનાં જોડકણાં, અથવા બબ્બે જ પંક્તિઓનાં કહીએ તો પણ ચાલે...

કંકણ વડે રણઝણતા બે સુકોમળ હાથ ખાંડે છે અને ખાંડતાં-ખાંડતાં મુખ જાણે ગાય છે... સાંબેલાના ધબકારે ધબકારે ખાયણાં તાલ પુરાવે છે પણ પછી તો કોણ જાણે ક્યારે એ ધાન ખાંડવાની ક્રિયા સાથેનો સંબંધ છૂટી ગયો અને એ લગ્નગીતો બની રહ્યાં ! ડાંગર ખાંડતી વખતે, ચોખા સાફ કરતા શ્રમજીવી વર્ગની સ્ત્રીઓ દ્વારા, ખાંડતાં-ખાડતાં આ ગીતો ગવાતાં હોવાથી ‘ખાયણાં’ તરીકે ઓળખાયાં દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને વલસાડ અને સૂરત જિલ્લામાં તે પ્રચલિત છે. ’દક્ષિણ ગુજરાતના કાયસ્થ, બ્રહ્મક્ષત્રિય અને અનાવિલોના જે લોકો અમદાવાદમાં વસ્યા છે, તે તેમની સાથે આવાં ગીતો મધ્ય ગુજરાતમાં પણ લઈ આવ્યા છે. આ વિસ્તારો સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં ખાયણાંનો પ્રચાર થયો હોય એમ જણાતું નથી- શ્રી ગાનાકરની આ માન્યતા સાચી નથી, કેમકે મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજમાં ગવાતાં લોકગીતોમાં ખાયણાંનો પણ સમાવેશ થાય છે. ક્ષેત્રિય સીમાઓને તોડીને ખાયણાંએ સૌરાષ્ટ્રમાં પગપેસારો કર્યો છે. કોંકણીમાં પણ ‘દુરપદ’ નામે એવી રચનાઓ જોવા મળે છે.

ખાયણાંની લોકપ્રિયતા પ્રદર્શિત કરતાં કહેવાયું છે કે કુમારિકાઓ ગોરમાના વ્રતપ્રસંગે રમતાં યા હીંચકે-હીંચતાં અને સ્ત્રીઓ લગ્નપ્રસંગે, અન્ય લગ્ન-ગીતોની સાથે ખાયણાં ગાય છે. આજે તે માત્ર શ્રમગીતો નથી રહ્યાં, ક્રીડાગીતો પણ થઈ, પ્રચલિત થયાં છે. ખાયણાં એક બાજુ શ્રમગીતોના રૂ5માં વિકસિત થાય છે અને બીજી બાજુ બાલિકાઓએ તેને ઝુલાગીતો અથવા ક્રીડાગીતોના રૂપમાં અપનાવી લીધાં છે. વળી તે લગ્નગીતોના અંગરૂપ પણ બન્યાં છે.

એક કચ્છીઓનું શ્રમ સંગાથી ગીત જોઈએ,
‘હે લિયા માલે રે.. જલામા, હે લિયા માલે!’
લખપત બંદર
મથે સમંદર
ચૌટી ચંદર
ભાગ સિકંદર
હે લિયા માલ રે...જલામા, હે લિયા માલે!

આ ગીત કચ્છી નાદાઓનું છે. મહેનતનું કોઈ પણ કામ કરતી વખતે ખારવા લોકોની સામસામી ટુકડીઓ આ ગીત ગાય છે. હીંચકે હિંચતી બાલિકાઓ દ્વારા ગવાતુ ખાયણા ગીત એ ક્રિડાગીતનો આભાસ અવશ્ય ઉત્પન્ન કરે છે. જેમ કે:

‘ખાયણાં ગાઉ ને હીંચકે રે ઝૂલું.

રમત સઘળી ભૂલું, કે રૂડાં મારા ખાયણાં.’

પરંતુ આ ગીતનું કથ્ય અને ભંગિમા ગીતને શ્રમગીત માનવા માટે બાધ્ય કરે છે. એ જુદી વાત છે કે ખાયણાં અસંબદ્ધ પ્રકારનાં શ્રમગીત છે એટલે એનો સ્વર શ્રમકાર્યથી જુદો છે. ખાયણાં શ્રમગીત છે, જેનો પ્રધાન સૂર વિરહના વિલાપનો હોય છે, એટલે એને કરુણ ગીત પણ કહી શકાય, જેમ કે :

ઘડો ફૂટે ને રઝળે ઠીકરી, 

મા વિણ રઝળે દીકરી, કે આ સંસારમાં!’

ખાયણાંમાં કુલ ત્રણ પંક્તિઓ હોય છે, તેને બે પંક્તિઓમાં પણ લખવામાં આવે છે: બન્ને રૂપનાં ઉદાહરણ જોઈએ:

ત્રણ પંક્તિઓનું રૂપ :

‘આવોની સૈયર, ઝીણાં મોતી પ્રોઈએ’ 

વાંકડીઆ વરને જોઈએ, 

કે ચંદનબહેનને!’ 

બે પંક્તિઓનું રૂપ :

‘આવોની સૈયર, ઝીણાં મોતી પ્રોઈએ, 

વાંકડીઆ વરને જોઈએ, કે ચંદનબહેનને!’

હવે બીજા સ્વરૂપો જોઈએ,

‘ટોપીવાળા તારી અક્કલની બિલહારી, 

પહાડમાં કોચી ગાડી 
કે તારા રાજમાં !’
‘સાસરે જતાં સાસુજી સાપણ, 
નણદી તો વીંછણ, 
દેરાણી ડાકણ, 
જેઠાણી જમરાજે
લીધો મારો જીવડો !!

લોકગીતોની નમ્યતા ખાયણાંમાં પણ જોવા મળે છે. ઉપરનાં ઉદાહરણો એ વાતને સ્પષ્ટ કરે છે. ખાયણાં ટૂંકા, મુક્તક પ્રકારનાં લોકગીતો છે. તેમાં ધ્વનિનું ચોટદાર, ભાવનું લાઘવયુક્ત નિરૂપણ થયેલું હોય છે. ઝાઝા શબ્દો કે લાંબાં વર્ણનોને તેમાં સ્થાન નથી. કોઈવાર વેધક ભાવની સાથે સુંદર શબ્દ-ચિત્ર પણ તેમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં પ્રાસંગિક ઘટનાઓ, સમકાલીન બનાવો વગેરેને સ્થાન મળે છે, પરંતુ મુખ્યત્વે તો વિવાહિત જીવનનાં દુ:ખો, યાતનાઓ તથા વેદનાઓનું તેમાં મૃદુ-કરુણ, ગંભીર ગાણું વધુ સંભળાય છે. ખાયણાંમાં સામાજિક જીવનનો કોઈ પણ ભાવ, અનુભવ કે પ્રસંગ અભિવ્યક્તિ પામે છે.