મુંબઈઃ કેટલાક લોકો કબૂતરોને ચણ નાખતા હોય છે. જોકે મુંબઈમાં કબૂતરોને ચણ નાખવાના કારણે કોર્ટે વેપારીને સજા ફટકારી હતી. કોર્ટે દાદરના એક વેપારીને દોષી ગણાવીને 5000નો દંડ ફટકાર્યો હતો. કોર્ટે તેના આ પગલાને સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાવ્યું હતું.
શું છે મામલો
દાદર વિસ્તારમાં રહેતા વેપારી નીતિન શેઠને આ બાબતે અદાલતે દોષિત જાહેર કરી દંડ ફટકાર્યો છે. આ પ્રકારની સજા પ્રથમવાર આપવામાં આવી હોવાનું કહેવાય છે. જેના કારણે આ કિસ્સો ચર્ચામાં છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નીતિન શેઠે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખી રહ્યો હતો, જ્યારે તેના પર અગાઉથી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે નીતિન શેઠ પર 5000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, તેમના આવા કૃત્યથી માનવ જીવન, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત બેદરકારીથી જીવલેણ બીમારી ફેલાવવાની આશંકા સંબંધિત આરોપ પણ તેમના પર લગાવવામાં આવ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં એ પણ નોંધ્યું કે, આ પ્રકારની સજા પ્રથમ વખત આપવામાં આવી છે. ભવિષ્યમાં લોકો આવા પ્રતિબંધોને હળવાશથી ન લે માટે તેને એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,BMC એ પહેલાથી જ કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકેલો છે. ગયા ઓગસ્ટ મહિનામાં આ મુદ્દે બોમ્બે હાઈ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. તે સમયે હાઈ કોર્ટે જાહેર સ્થળો પર કબૂતરોને ચણ નાખવા પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો. પ્રશાસનનું કહેવું છે કે, આ પગલું લોકોના સ્વાસ્થ્ય અને શહેરની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું.