દુબઈઃ અહીં રવિવારે અન્ડર-19 એશિયા કપ વન-ડે ફાઇનલ (Final)માં ભારતનો વિશ્વવિખ્યાત 14 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશી ટૂંકી, પણ ધમાકેદાર ઇનિંગ્સમાં જ્યારે 26 રન કરીને આઉટ થયો ત્યાર બાદ પાકિસ્તાની બોલર અલી રઝા (Ali Raza) સાથેની તેની દલીલ ચર્ચાનો વિષય બની ગઈ છે, કારણકે એમાં પોતાને ઉશ્કેરનાર રઝાને ઇશારાથી પોતાના બૂટ તરફ ઇશારો કરીને વૈભવે સંકેત આપી દીધો હતો કે તારી ઇજ્જત મારા જૂતાં બરાબર પણ નથી.
વૈભવ (Vaibhav) પાકિસ્તાનના ફાસ્ટ બોલર અલી રઝાના બૉલમાં વિકેટકીપર હમઝા ઝહૂરના હાથમાં કૅચઆઉટ થયો હતો. વૈભવ આઉટ થઈને નિરાશ હાલતમાં પાછો જઈ રહ્યો હતો, પણ રઝાએ તેની સામે આક્રમક મિજાજ બતાવીને તેને ઉશ્કેરવાની કોશિશ કરી હતી.
એ તબક્કે મેદાન પર થોડી તંગદિલી થઈ ગઈ હતી. વૈભવે તરત રઝાને પોતાના શૂઝ તરફ હાથથી ઇશારો કરીને તેને સંકેત આપી દીધો હતો કે તેનું (રઝાનું) સ્થાન ક્યાં છે. એ ઘટનાનો વીડિયો અને ફોટો વાઇરલ થયા છે. જોકે આ ગરમાગરમી પહેલાં ઇનિંગ્સની શરૂઆતમાં વૈભવે અલી રઝાની એક ઓવરમાં બે છગ્ગા અને એક ચોક્કો ફટકારી દીધા હતા ત્યારથી જ રઝાએ મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ વૈભવે મોહમ્મદ સય્યુમના બૉલમાં છગ્ગો ફટકારી દીધો હતો. ભારતે આ મૅચના પરાજય પહેલાં લીગ રાઉન્ડમાં પાકિસ્તાનને પરાજય ચખાડ્યો હતો.
Vaibhav Suryavanshi puts a Pakistani in his place pic.twitter.com/U0J0HcNRcT
— Satya (@SSati8193029) December 21, 2025
ખરું કહીએ તો પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભારતીય પ્લેયર્સ હાથ ન મિલાવ્યા એનો ગુસ્સો તેઓ ભારતીય ખેલાડીઓ પર ઊતારતા વારંવાર જોવા મળ્યા હતા. આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતની અન્ડર-19 ટીમે પાકિસ્તાન સામેની ` નો હૅન્ડશેક' નીતિ જાળવી રાખી હતી અને પાકિસ્તાનીઓ આ ફાઇનલ જીતી ગયા ત્યાર પછી પણ ભારતીયોએ તેમની સાથે હાથ મિલાવવાનું ટાળીને તેમનું નાક કાપ્યું હતું.
બે મહિના પહેલાં દુબઈમાં જ સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતની મુખ્ય ક્રિકેટ ટીમે ટી-20ના એશિયા કપમાં ઉપરાઉપરી ત્રણ મોટી પછડાટ આપી હતી અને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.