Sun Dec 14 2025

Logo

White Logo

ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શું કરવું અને શું ન કરવું? : આટલું જાણી લેશો તો નહીં થાય અકસ્માત

20 hours ago
Author: Himanshu Chavda
Video

Dense fog driving tips: શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ જોવા મળે છે. જેના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જાય છે. જેથી રસ્તા પર વાહન લઈને નીકળવું મુશ્કેલ બની જાય છે. ગાઢ ધુમ્મસને કારણે આજે સવારે ગ્રેટર નોઇડાના ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર  ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ ઘણા વાહનોને ગંભીર નુકસાન થયું છે. આ સાથે ગાઢ ધુમ્મસમાં ડ્રાઈવિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એના વિશે વિચારવા માટે લોકોને મજબૂર કર્યા છે.

ધુમ્મસમાં ડ્રાઇવિંગ માટેની મહત્ત્વપૂર્ણ ટિપ્સ

શિયાળાની ઋતુમાં ધુમ્મસ દરમિયાન વાહન ચલાવતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. ગાઢ ધુમ્મસમાં વધુ ઝડપે વાહન ચલાવવું જોખમી છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અચાનક સામે આવતા વાહન, વ્યક્તિ કે પ્રાણીને ડ્રાઈવર સમયસર જોઈ શકતો નથી. પરિણામે અકસ્માત સર્જાય છે. તેથી, ધુમ્મસવાળા વાતાવરણમાં ધીમી ઝડપે જ વાહન ચલાવવું જોઈએ. આ સિવાય ધુમ્મસમાં અચાનક બ્રેક મારવાની નોબત આવી શકે છે. તેથી આગળ ચાલતા વાહનથી યોગ્ય અંતર જાળવી રાખવું જોઈએ. જેથી અકસ્માતથી બચી શકાય.

ધુમ્મસમાં હાઇ બીમ લાઇટ ચાલુ કરવાથી પ્રકાશ પરાવર્તિત થઈને આંખોમાં પાછો ફરે છે, જેથી વિઝિબિલિટી ઘટી જાય છે. જે પણ અકસ્માત સર્જાવાનું કારણ બની શકે છે. તેથી શિયાળામાં  હંમેશા ફોગ લાઇટ અથવા લો બીમ હેડલાઇટનો ઉપયોગ કરવો જોઈએ.  ઓછી વિઝિબિલિટીમાં ડ્રાઈવિંગ કરતી વખતે ઓવરટેક કરવું અત્યંત જોખમી બની શકે છે, કારણ કે ગાઢ ધુમ્મસમાં સામેથી આવતા વાહનનો અંદાજ લગાવી શકાતો નથી. જેથી અકસ્માતની શક્યતાઓ વધી જાય છે.

જો ગાઢ ધુમ્મસ હોય અને રસ્તો સ્પષ્ટ ન દેખાતો હોય તો વાહનને સલામત સ્થળે રોકી દેવું જોઈએ. રેડિયો, નેવિગેશન અથવા ટ્રાફિક અપડેટ્સ દ્વારા હવામાન અને રસ્તાની વિઝિબિલિટીની  માહિતી મેળવીને આગળ વધવું જોઈએ.