Fri Jan 02 2026

Logo

White Logo

બહરાઇચ હિંસા: : મુખ્ય આરોપી સરફરાઝને ફાંસી, નવ આરોપીને આજીવન કારાવાસ

3 weeks ago
Author: Himanshu Chavda
Video

13 મહિનાના ટ્રાયલ બાદ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

બહરાઇચ: ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં 13 ઑક્ટોબર, 2024ના કોમી રમખાણોમાં થયેલી હિંસા અને હત્યાના મામલે કોર્ટે 13 મહિના બાદ મોટો ચુકાદો આપ્યો છે. બહરાઇચ હત્યાકાંડ કેસને લઈને જિલ્લાની સેશન્સ કોર્ટમાં છેલ્લા 13 મહિનાથી ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે હવે જિલ્લા સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી સરફરાઝને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે અન્ય નવ દોષીને આજીવન કારાવાસની સજા કરી છે. કુલ 13 આરોપી સામે કેસ નોંધ્યો હતો, જેમાં ત્રણને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

બહરાઇચમાં કેવી રીતે થયો હત્યાકાંડ

ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લાના તાલા હરદી વિસ્તારમાં આવેલા મહરા જગંઝ બજારમાં 13 ઑક્ટોબર, 2024ના રોજ દુર્ગા પ્રતિમા વિસર્જનના જુલૂસ દરમિયાન એક જણની હત્યા કરી દેવામાં આવી હતી. રામ ગોપાલ મિશ્રા નામની વ્યક્તિ પર ગોળીબાર કરીને હત્યા કર્યા પછી હિંસા ફેલાઈ હતી. રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં કોમી રમખાણો ફાટી નીકળી હતી. જેમાં ભારે આગચંપી અને તોડફોડ કરી હતી.

બહરાઇચ હિંસા કેસમાં કુલ 13 આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જે પૈકીના ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા હતા. પોલીસે બાકીના 10 આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 103(2), 190, 191(2), 191(3), 249,  તથા આર્મ્સ એક્ટની કલમ 30 તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાર્યવાહી કરી હતી. 

મુખ્ય આરોપીને થઈ ફાંસીની સજા

બહરાઇચ જિલ્લા કોર્ટે ટ્રાયલ દરમિયાન તમામ પુરાવાઓ અને સાક્ષીઓની વ્યવસ્થિત સમીક્ષા બાદ આજે આરોપીઓને ગુનેગાર જાહેર કરીને સજા સંભળાવી છે. કોર્ટે આ મામલાના મુખ્ય આરોપી સરફરાઝને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે બાકીના નવ આરોપીને આજીવન કારાવાસની સજા આપી હતી. આ ચુકાદાથી મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારને ન્યાય મળ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગુનેગારોને કડકમાં કડ સજા આપીને ન્યાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી સરફરાઝને ફાંસી અને અન્ય ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારીને કોર્ટે ગુનાના ગંભીર પરિણામો દર્શાવ્યા હતા.