નવી દિલ્હીઃ વિરાટ કોહલીના અસંખ્ય ચાહકો માટે એક ગુડ ન્યૂઝ છે અને આ સારા સમાચાર એ છે કે તે વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં વધુ એક મૅચ રમવાનો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની સાથે કૉન્ટ્રૅક્ટ ધરાવતા દરેક ખેલાડીને આ ટૂર્નામેન્ટની ઓછામાં ઓછી બે મૅચ રમવા કહ્યું છે. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી બે-બે મૅચ રમી ચૂક્યા છે અને હવે સમાચાર મળ્યા છે કે કોહલી દિલ્હી વતી છઠ્ઠી જાન્યુઆરીની મૅચ પણ રમશે.
11મી જાન્યુઆરીએ વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની પ્રથમ વન-ડે રમાવાની છે અને એના પાંચ દિવસ પહેલાં (છઠ્ઠી જાન્યુઆરીએ) બેંગલૂરુ નજીક અલુરમાં સર્વિસીઝ સામે રમાનારી વિજય હઝારે ટ્રોફીની મૅચમાં કોહલી રમશે.
કોહલીએ 24મી ડિસેમ્બરે દિલ્હી વતી આંધ્ર સામેની મૅચમાં 131 રન અને 26મીની ગુજરાત સામેની મૅચમાં 77 રન કર્યા હતા. તે વધુ એક મૅચ રમવાનો હોવાથી એવું માની શકાય કે ન્યૂ ઝીલૅન્ડ સામે તેના ધમાકા જોવા મળશે. તે બહુ સારા ફૉર્મમાં છે અને આ ફૉર્મ કિવીઓ સામેની સિરીઝમાં પણ જાળવી રાખવા માગે છે.
કોહલીએ વિજય હઝારે ટ્રોફીમાં જ રમીને ગયા અઠવાડિયે ડોમેસ્ટિક ક્રિકેટના લિસ્ટ-એ ફૉર્મેટમાં 16,000 રન પૂરા કર્યા હતા. હવે કોહલી છઠ્ઠી જાન્યુઆરીએ રેલવે સામેની મૅચમાં રમશે. તે આ અગાઉ 15 વર્ષ પહેલાં રેલવે સામે જ રમ્યો હતો.