Mon Dec 08 2025

Logo

White Logo

રખડતા શ્વાનોએ નવજાત બાળકની રાતભર રક્ષા કરી! : જાણો પશ્ચિમ બંગાળની આ હૃદયસ્પર્શી ઘટના વિષે

2 days ago
Author: Savan Zalaria
Video

કોલકાતા: ગત ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતા તમામ શ્વાનને પકડીને પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો હતો, કોર્ટે નાગરિકો પર શ્વાનના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં લીધા હતાં. પ્રાણી પ્રેમીઓના હોબાળા બાદ કોર્ટે ચુકાદો બદલ્યો હતો. પરંતુ રખડતા શ્વાન અંગે ચર્ચાઓ સતત ચાલી રહી છે. એવામાં પશ્ચિમ બંગાળમાં એક એવો પ્રસંગ બન્યો હતો, જેમાં શ્વાન માણસોના મિત્ર હોવાનું સાર્થક પુરવાર થયા છે.

પશ્ચિમ બંગાળમાં નાદિયા જિલ્લાના નબાદ્વીપમાં રખડતા શ્વાનોના ટોળાએ રસ્તા પર ત્યજી દેવામાં આવેલા એક નવજાત બાળકની રાતભર રક્ષા કરી હતી.

શ્વાનોએ બાળકની રક્ષા કરી:

રેલ્વે કામદારોની વસાહતમાં પાસે રહેતા લોકોએ વહેલી સવારે જોયું કે બાથરૂમની બહાર ઠંડીમાં એક નવજાત બાળક ત્યજી દીધેલી હાલતમાં પડ્યું છે. રહેવાસીઓ એ જોયું કે બાળકની આસપાસ શ્વાનોનું એક ટોળું જમા થયેલું છે. શ્વાનો આક્રમક નહોતા, તેઓ સતર્ક રહીને બાળકની રક્ષા કરી રહ્યા હતાં.

રહેવાસીઓએ બાળકની પાસે જવાનો પ્રયાસ કર્યો અટેલે શ્વાનોએ ભસવાનું શરુ કર્યું, જાણે શ્વાન લોકોને બાળકથી દુર રહેવા કહેતા હોય.

વિશ્વાસ ન આવે તેવા દ્રશ્યો:

એક રહેવાસીએ કહ્યું, "સવારે, મેં રડવાનો હળવો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે પડોશમાં કોઈ બીમાર બાળક રડી રહ્યું છે, પણ જ્યારે મેં બહાર જીઈને જોયું, તો વિશ્વાસ જ ન આવ્યો. શ્વાનો તાલીમબદ્ધ રક્ષકોની જેમ બાળકની ચોકી કરી રહ્યા હતા."

બાળકને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું:

જ્યારે એક મહિલા ધીમે ધીમે નવજાત શિશુ પાસે પહોંચી, ત્યારે કૂતરાઓ શાંત થઇ ગયા. મહિલાએ બાળકને તેના દુપટ્ટામાં લપેટ્યું. પડોશીઓની મદદથી બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું.

હોસ્પિટલમાં ડોક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે નવજાત બાળકને કોઈ ઈજા નથી અને તેના માથા પર થોડું લોહી હતું, જે દર્શાવે છે કે બાળકને જન્મ પછી તરત જ ત્યજી દેવામાં આવ્યું હતું.

રહેવાસીઓનું વલણ બદલાયો:

રહેવાસીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ શ્વાનો ક્યારેક લોકોની પાછળ દોડતા હોય છે. એ જ શ્વાનોએ જ્યાં સુધી મદદ ના મળી ત્યાં સુધી એક નવજાત બાળકનું રક્ષણ કર્યું હતું. બાદમાં ઘણા લોકો શ્વાનોને ખવડાવતા જોવા મળ્યા હતા.

પોલીસે તપાસ શરુ કરી:

સ્થનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરવામાં આવી છે. ત્યજી દેવામાં આવેલા નવજાત બાળકના માતાપિતાની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધારવામાં આવ્યા છે.
બાળ કલ્યાણ અધિકારીઓએ બાળકની સંભાળ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.