બાંગ્લાદેશમાં વણસી રહેલી પરિસ્થિતિ અને ત્યાંના અલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓએ વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે. પ્રખ્યાત રામકથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ આ મુદ્દે મંગળવારે પોતાની ગંભીર વેદના વ્યક્ત કરી હતી. તેમણે વિશ્વભરની સરકારો, સામાજિક સંગઠનો અને જાગૃત નાગરિકોને આ માનવીય કટોકટી પ્રત્યે ગંભીર બનવા અને અત્યાચારનો સામનો કરી રહેલા લોકોની વ્હારે આવવા આહવાન કર્યું છે.
આંધ્રપ્રદેશના તિરુપતિમાં ચાલી રહેલી રામકથા દરમિયાન શ્રોતાઓને સંબોધતા મોરારી બાપુએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ત્યાંની સ્થિતિ દિવસેને દિવસે અત્યંત નાજુક બની રહી છે અને હિન્દુઓ પર થતા અત્યાચારને હવે લાંબો સમય નજરઅંદાજ કરી શકાય તેમ નથી." તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની ચિંતાનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે જ્યારે સમુદાય પર સંકટ હોય ત્યારે મૌન રહેવું યોગ્ય નથી.
બાપુએ હિન્દુ ધર્મની સહનશીલતા અને ભવ્યતા પર ભાર મૂકતા એક મહત્વનો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ભાવુક થઈને પૂછ્યું કે, "આખરે હિન્દુ હોવું એ ગુનો કેમ ગણાય છે? મારે એ સમજવું છે કે આ લોકોનો વાંક શું છે?" હિન્દુ ધર્મની વ્યાખ્યા આપતા તેમણે સુંદર શબ્દોમાં કહ્યું કે, હિન્દુ એક 'બિંદુ' પણ છે અને 'સિંધુ' પણ છે. હિન્દુ હોવાનો અર્થ વિનમ્રતા અને ઉદારતા છે, નહીં કે કોઈનું નુકસાન કરવું.
બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓ, જેવી કે હિન્દુ પરિવારોના ઘરો સળગાવવા અને નિર્દોષોની હત્યા, આ નિવેદન પાછળનું મુખ્ય કારણ છે. મોરારી બાપુએ આ ઘટનાઓની નિંદા કરતા આરએસએસ પ્રમુખના એકતાના સંદેશને સમર્થન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વભરના હિન્દુઓએ એકજૂટ થઈને પીડિતોને નૈતિક અને સામાજિક પીઠબળ પૂરું પાડવું જોઈએ જેથી ત્યાં વસતા લઘુમતીઓમાં સુરક્ષાની ભાવના જન્મે.