Thu Jan 01 2026

Logo

White Logo

જેણે આ વિનાશ વેર્યો છે, તે હવે આ દુનિયામાં ન હોય: : ઝેલેન્સકીએ નામ લીધા વિના પુતિનના મોતની કરી પ્રાર્થના

Kiev   6 days ago
Author: Himanshu Chawda
Video

કિવ: રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. આજે પણ રશિયાના યુક્રેન પર હુમલાઓ ચાલું હતા. ભીષણ મિસાઈલો અને ડ્રોન હુમલાઓ વચ્ચે પણ આજે યુક્રેને નાતાલની ઉજવણી કરી હતી. નાતાલની પ્રાર્થનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને ચોંકાવનારી વાત કરી હતી. જોકે, ઝેલેન્સકીએ પુતિનના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.

ઝેલેન્સકીએ પુતિન માટે કરી પ્રાર્થના

નાતાલના તહેવારની ઉજવણીને લઈને ઝેલેન્સકીએ દેશવાસીઓને સંબોધીત કર્યા હતા. પોતાના સંબોધનમાં ઝેલેન્સકીએ યુક્રેનની એક પ્રાચીન પરંપરાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, "એક માન્યતા છે કે નાતાલની પૂર્વ સંધ્યાએ સ્વર્ગના દરવાજા ખુલે છે અને જે માંગો તે મળે છે. આજે આપણે બધા યુક્રેનવાસીઓ એક જ સપનું જોઈ રહ્યા છીએ અને એક જ વસ્તુ માટે પ્રાર્થના કરીએ છીએ કે, જેણે આ વિનાશ વેર્યો છે, તે હવે આ દુનિયામાં ન હોય."

આમ, વ્લોદિમીર ઝેલેન્સકીએ, નામ લીધા વગર પુતિનના મોતની પ્રાર્થના કરી હતી. ઝેલેન્સ્કીએ પોતાના સંબોધનમાં દેશવાસીઓની હિંમત વધારતા કહ્યું હતું કે, જે લોકોએ યુક્રેનની રક્ષા માટે યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે તે તમામ શહીદોને દેશ હંમેશા યાદ રાખશે. જે લોકો રશિયા દ્વારા કબજે કરાયેલા પ્રદેશમાં ધકેલાઈ ગયા છે અને જે લોકોને પોતાનું ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. જેઓ કપરી પરિસ્થિતિમાં છે, પરંતુ તેમણે અંતરથી યુક્રેનને ગુમાવ્યું નથી અને તેથી યુક્રેન તેમને ક્યારેય ગુમાવશે નહીં.આજે અમે ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. અમે અંધારામાં પણ રસ્તો ભટકીશું નહીં.

નાતાલના દિવસે પણ રશિયાના હુમલા યથાવત

ઉલ્લેખનીય છે કે, રશિયાએ નાતાલના દિવસે પણ યુક્રેન પર 131 ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલો છોડીને હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જોકે, યુક્રેનિયન ડિફેન્સે મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા હતા, પરંતુ 22 ડ્રોન યુક્રેન પર ત્રાટકવામાં સફળ રહ્યા હતા. જેને લઈને વ્લોદિમીર ઝેલેન્સકીએ કહ્યું હતું કે,
નાતાલની પૂર્વ સંધ્યાએ રશિયાએ ફરી બતાવ્યું કે તે ખરેખર કોણ છે. સેંકડો ડ્રોન અને મિસાઈલોનો આ હુમલો અત્યંત અપવિત્ર છે.