સંજય છેલ
આમ તો અઠવાડિયે કે 15 દિવસે એક વખત આવું બનતું જ હોય છે અને આ અઠવાડિયે પણ એવું જ થયું કે ગામમાં અહીંતહીં કામ કરતા ખેડૂતો અને હુક્કો પીતાં પીતાં મજાનું સુખી સંસારી જીવન જીવતા લોકોને સમાચાર મળ્યા કે શહેરથી એક સજજન માણસ પધાર્યા છે, જે બહુ જાણકાર અને અનુભવી છે, ઉદાર અને આદર્શવાદી છે, વળી મહેનતુ છે અને તોયે નેતા પણ છે, બોલો! એ નેતા આજે ગામનાં ચોકમાં ભાષણ આપશે કે ગામના ગરીબ ખેડૂતો એમની આવક કેવી રીતે વધારી શકે?
આ બાબત પર (સરકારી રાબેતા મુજબની બોરિંગ) ચર્ચા થશે. એટલે ગામનાં દરેકને ત્યાં આવીને ભાષણ સાંભળવા વિનંતી છે.
‘ગામનાં ખેડૂતો એમની આવક કેવી રીતે વધારે?’ આ પ્રશ્ન બધાની સામે હતો જ, જે સદીઓથી ઉકેલાયો નથી કે ઉકેલાશે પણ નહીં એટલે સ્વાભાવિક રીતે કુતૂહલપૂર્વક અને આવક વધારવાની લાલચમાં ખેડૂતભાઈઓ સાંજે ગામના ચોકમાં આવીને ભેગા થયા.
ભાષણ આપવાવાળા સજ્જન અને પાછા નેતા પણ હતા. એમણે કહ્યું, ‘પ્રિય ભાઈઓ, જો તમે તમારી આવક વધારવા માંગતા હોવ તો નવા નવા ગૃહ ઉદ્યોગને અપનાવો અને ઘરે બનેલી વસ્તુઓ બજારમાં વેચીને પૈસા કમાવો! કામ વગર ખાલી બેસી ના રહો! જેમ કે તમે મરઘીઓ પાળો તો એમાં શરૂઆતમાં ખર્ચ ઘણો ઓછો આવશે. મરઘી દાણા ખાઈને પોતાનું પોષણ પણ કરી લેશે. અને મરઘી રોજ ઈંડા આપશે, એને વેચીને તમે પૈસા કમાઇ શકો છો.’
આ વાત ભીમાના મગજમાં બરાબર બેસી ગઈ અને એણે નક્કી કર્યું કે આવતા વખતે ગામમાં ગુર્જરી ભરાશે એમાં એ અને મરઘા મરઘીની જોડી ખરીદી લાવીને ધંધો શરૂ કરી દેશે.
ભીમાએ એની પત્નીને કહ્યું, ‘આપણે થોડા દિવસ પછી મરઘી અને ઈંડા વેંચીને બકરીઓ ખરીદીશું, પછી બકરીઓ વેંચીને ગાયો ખરીદીશું, પછી ગાયો વેંચીને ઘોડા ખરીદીશું, પછી ઘોડા વેંચીને હાથી ખરીદીશું અને પછી એયને હાથી પર બેસીને ઠાઠથી જાત્રાએ જશું.’
ભીમાની પત્નીએ ટોણો મારતા કહ્યું,
‘જાઓને હવે..તમારાથી કંઈ નહીં થાય!’
‘ભીમાએ પત્નીને ઠપકો આપ્યો,’ ઓયે, શેખચલ્લી ના સમાજ મને! તું જોતી રહે, આગળ શું શું થાય છે!
પછીને રવિવારે ભીમો બજારમાં મરઘી-મરઘો ખરીદવા ગયો અને ચાર સમજદાર અને એક મૂર્ખની પણ સલાહ લઈને એક સરસ મરઘો અને ઈંડા આપતી મરઘી ખરીદીને ઘર તરફ વિચારતા વિચારતા પાછો ફર્યો કે- ‘આ કામ બીજાઓની મદદથી ચલાવવું જોઈએ કે જાતે જ? પેલાં ઈંડા રોજ શહેર સુધી કેવી રીતે પહોંચાડીશું હું? વળી મરધીઓ રાખવાથી ક્યાંક મારો ધરમ તો નહીં અભડાયને?’ વગેરે..વગેરે..
સવારેનાં અગિયાર વાગી રહ્યા હતા. ગામના તલાટી સાહેબ ઓફિસ જવા માટે ઘરનાં દરવાજા પર પટાવાળાની રાહ જોતા ઊભા હતા, જે પાછો એમના માટે પાન લેવા ગયો હતો.
ભીમાના હાથમાં મરઘી જોઈને તલાટીએ કહ્યું, ‘અરે વાહ ભાઈ, શું લઈને આવ્યો છે? જરા મને પણ તો દેખાડ!’
ભીમાએ તલાટી સાહેબને મરઘી બતાવી અને મરઘીનાં ખૂબ ગુણગાન ગાયા. તલાટી સાહેબે કહ્યું, ‘વાહ, સરસ છે! આને તો હું રાખીશ, તારી યાદગીરી રૂપે. તું જા..ચાલ નીકળ..’
હવે બિચારો ભીમો તલાટી સાહેબને કેવી રીતે ના પાડી શકે? ઉપરથી હસતો અને મનથી ઉદાસ એ ઘર ભણી ચાલવા માંડ્યો. હાથમાં એકલો મરઘો લઈને!
એવામાં ગામમાં જિલ્લાના પોલીસ અધિકારી એક લૂંટની તપાસ કરવા અને સાબિત કરવા કે ગામવાળાઓ પણ ડાકુઓ સાથે મળેલા છે એ ગામમાં અડીંગો જમાવીને બેઠા હતા અને એક પછી એક ગામવાળાં ધીબેડી ધીબેડીને પરાણે કબૂલાત કરાવી રહ્યા હતા. ત્યાં તો ભીમાના હાથમાં મરઘો જોઈને પોલીસવાળા સાહેબ બોલ્યા.
‘એય...મરઘાને અહીંયા લાવ! શું નામ છે તારું?’
ભીમો હાથ જોડીને પોલીસ ઑફિસર પાસે ગયો. પોલીસ ઓફિસરે કહ્યું,
‘અરે, મરઘો તો બહુ સરસ છે! લાગે છે, તું તો નક્કી આ લૂંટ વિશે જાણતો હશે. હેંને...બોલ સાલા, ક્યાંથી આવ્યા મરઘાના પૈસા?’
ભીમાએ કરગરીને કહ્યું, ‘ના ના સાહેબ, હું કંઈ નથી જાણતો?’
‘તો ચાલ ભાગ અહીંયાથી!’,પોલીસ અધિકારીએ બૂમ પાડી અને મરઘો લઈને એને રાંધવા માટે હવાલદારને આપી દીધો.
બિચારો ભીમો, ચૂપચાપ ખાલી હાથે, ઘર તરફ ચાલવા માંડ્યો. ‘અને આત્મનિર્ભર મરઘા-મરઘીનું સપનું તો ઈંડા મૂક્યા વિના જ રહી ગયું!’