અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આઇટી વિભાગ દ્વારા ચાલી રહેલું સર્ચ ઓપરેશન યથાવત છે. આઇટી ટીમોએ ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ સઘન તપાસ કરી રહી છે. જેમાં પ્રાથમિક તબક્કે કુલ 35 જેટલા સ્થળો પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તપાસનો દાયરો સતત વધી રહ્યો છે અને વધુ સ્થળોએ પણ કાર્યવાહી થઈ શકે છે.
150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ કાર્યરત
આઇટી વિભાગની ટીમો દ્વારા ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે, તેમજ ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખના નિવાસસ્થાનો અને ઓફિસો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વિનોદ ઇન્ડસ્ટ્રીઝ અને તેના સંચાલક વિનોદ મિત્તલના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ કાર્યરત છે.
ઝીણવટભરી તપાસ શરુ
મંગળવાર સાંજથી આ કાર્યવાહી અન્ય સ્થળોએ પણ વિસ્તારવામાં આવી છે. વિનોદ મિત્તલના સ્થળેથી લાખો રૂપિયાની રોકડ મળી આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે અને તેની તપાસ ચાલી રહી છે. આઇટી વિભાગની ટીમો દ્વારા માત્ર રોકડ જ નહીં, પરંતુ બેન્ક ખાતાઓ, તમામ પ્રકારના દાગીના અને અન્ય શંકાસ્પદ વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આઈટી અધિકારીઓ આ તમામ વ્યવહારોની ખરાઈ કરશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વર્તમાન સ્થિતિ જોતાં, આ ઓપરેશનનો દાયરો હજુ પણ વધવાની શક્યતા છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે.