Wed Jan 07 2026

Logo

White Logo

ખોખરા વિદ્યાર્થી હત્યા કેસમાં સરકારની મોટી કાર્યવાહી: : સેવન્થડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તગત કર્યો

3 weeks ago
Author: Mumbai Samachar Team
Video

અમદાવાદઃ થોડા મહિના પહેલા શહેરના ખોખરા વિસ્તારની સેવન્થડે શાળામાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેના પડઘા સમગ્રા વિસ્તાર સહિત ગુજરાતમાં પડ્યા હતા ત્યારે હવે આ મામલે તંત્રએ કાર્યવાહી કરી છે. સેવન્થ ડે શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

શાળાના મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા હતા કે આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ મળેલી 'બુલિંગ'ની ફરિયાદો અવગણવામાં આવી હતી. જેનાથી રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.

ત્યાર બાદ સ્કૂલ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્કૂલ ગેરકાયદે ઊભી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર પણ લખી દેવાયો હતો. ડીઈઓના પત્રના પગલે સરકારે શાળાનો વહીવટી પોતાને હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. શાળામાં થયેલી ગંભીર કાયદાકીય ભૂલો, નફાખોરી, ખોટા દસ્તાવેજો અને શાળા સલામતીમાં ચૂકને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ ભણતા 10,000થી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રહેશે, પરંતુ નવા એડમિશન પર રોક લગાવામાં આવશે. આ ઉપરાંત, સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ નુકસાન ન થાય તે માટે આગામી માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે.