Thu Dec 25 2025

Logo

White Logo

અમદાવાદના સુભાષ બ્રિજને તોડી પડાશે, : કન્સલટન્સી એજન્સીએ સોંપ્યો રિપોર્ટ...

21 hours ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય રોડ મનાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું હતું. બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી હતું. અલગ અલગ ત્રણ એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.

કન્સલ્ટન્સી એજન્સીના રિપોર્ટમાં શું આવ્યું

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કન્સલ્ટન્સી એજન્સીઓએ 23 ડિસેમ્બર, મંગળવારે તેમનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો. જેમાં મુખ્ય ત્રણ પ્રકારના સોલ્યુસન સૂચવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો હતો. જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો તે સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઉભો કરીને મજબૂતાઈ આપવાનો હતો. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો હતો.  

કેમ તોડી પાડવામાં આવશે

સૂત્રોના જણાવ્યા મુજબ કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પમાં તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યોહતો. સુભાષ બ્રિજ જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિઝાઈન પણ નવા જમાનાનાં ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતા સુભાષ બ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, નવો સુભાષબ્રિજ પહોળો અને ફોર લેન બનાવવામાં આવે આવી શકે છે. અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમજ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાન પદ માટે દાવેદારી કરી રહ્યું છે ત્યારે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. બ્રિજને હાલ રિપેરિંગ કરીને કામ ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં ન કરે અને કોઈ દુર્ઘટના સર્જાય તો અમદાવાદની શાખ પર મોટી અસર થઈ શકે તેમ છે. આ માટે તંત્ર લાંબાગાળાના આયોજનને લઈને જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવશે.

ક્યારે બન્યો હતો સુભાષ બ્રિજ

એએમસીએ સુભાષ બ્રિજનું નિર્માણ 1973 માં કર્યું હતું. આ બ્રિજ 453.7 મીટર લાંબો અને 12.8 મીટર પહોળો છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 4.30 વાગ્યાની આસપાસ જ્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી, ત્યારે અધિકારીઓને બ્રિજ પર તિરાડ અંગેની ફરિયાદ મળી હતી. કેટલાક અધિકારીઓ તાત્કાલિક બેઠક છોડીને સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ બ્રિજની ડાબી બાજુના એક સ્પાનમાં તિરાડ અને સેટલમેન્ટ જોયું હતું. જેના કારણે પરિણામે સાંજે 6 વાગ્યાથી વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.