Thu Dec 25 2025

Logo

White Logo

ગુજરાતમાં 'ડિજિટલ અરેસ્ટ'નો આતંક: : 3 લોકોની જીવનભરની મૂડી પોલીસે બચાવી, અને…

14 hours ago
Author: Mayur Patel
Video

અમદાવાદઃ રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે, જેમાં કોઈને કોઈ શહેરમાંથી સાયબર ક્રાઈમની ઘટનામાં લાખો-કરોડો રુપિયાની લોકો મૂડી ગુમાવતા હોય છે. અમદાવાદમાં એક મહિલા અને મહેસાણામાં બે પુરુષોને સાયબર ઠગોએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, પરંતુ પોલીસ, પરિવાર અને બેંક કર્મચારીઓની સતર્કતાથી તેમની આજીવન કમાણી લૂંટાતા બચી ગઈ હતી.

અમદાવાદના જ્યોત્સનાબેનનો કેસ શું છે?

અમદાવાદના જ્યોત્સનાબેન પટેલનો કેસ આશ્ચર્યજનક છે. સ્કેમર્સે તેમને તેમનો આધાર નંબર, મોબાઈલ નંબર અને ATM કાર્ડનો નંબર જણાવ્યો અને પછી કહ્યું કે તેમના આધાર નંબર પર સ્કેમ થયું છે. બધી વિગતો સાચી હોવાથી જ્યોત્સનાબેન તેમની જાળમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ સાયબર ગુનેગારોએ તેમને એક એકાઉન્ટ નંબર આપ્યો અને તેમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું. જ્યોત્સનાબેન બેંક પહોંચ્યા, તેમણે પોતાની ફિક્સ ડિપોઝિટ (FD) તોડાવી.

અલગ-અલગ ખાતામાં જેટલા પૈસા હતા તે એક ખાતામાં શિફ્ટ કર્યા. ત્યારબાદ તેમણે બેંક કર્મચારીને બધા પૈસા RTGS કરવા કહ્યું. જ્યોત્સનાબેનના હાવભાવ જોઈને મેનેજરને શંકા ગઈ. તેમણે પૂછપરછ કરી અને પૈસા ટ્રાન્સફર કરવાની ના પાડી તો જ્યોત્સનાબેન બેંક મેનેજર સાથે જ લડી પડ્યા. વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

ત્યાર બાદ મેનેજરે પોલીસને બોલાવી, પરંતુ જ્યોત્સનાબેને અસલી પોલીસને પણ નકલી સમજી લીધી અને કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો. જ્યારે તેઓ કોઈ રીતે ન માન્યા, ત્યારે મેનેજરે તેમને બેસાડીને ડિજિટલ ફ્રોડ અંગે જાગૃત કરતો વીડિયો બતાવ્યો. ત્યારે જઈને જ્યોત્સનાબેનને સમજાયું કે તેમની સાથે ઠગાઈ થઈ રહી હતી. આ રીતે અમદાવાદના મણિનગરના જ્યોત્સનાબેનના 33 લાખ રૂપિયા સાયબર ઠગોના હાથમાં જતા બચી ગયા હતા.

મહેસાણાના રમેશચંદ્ર પટેલનો કિસ્સો શું છે?

મહેસાણાના રમેશચંદ્ર પટેલને 9 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને તેમના ઘરમાં જ કેદ રાખવામાં આવ્યા હતા. 12 ડિસેમ્બરે તેમના ફોન પર મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તરફથી કોલ આવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેમનો ફોન બંધ કરવાનો ઓર્ડર આપ્યો છે. આ કોલને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર એક મહિલાએ વીડિયો કોલ પર તેમને જણાવ્યું કે તેમના નામે મુંબઈમાં એક બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. આ એકાઉન્ટ દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશોમાં ટેરર ફંડિંગ કરવામાં આવ્યું છે અને તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે.

તેમને કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી થવાનું છે. ઠગોએ રમેશભાઈને કહ્યું કે વોરંટથી બચવા માટે તેઓ સિક્યુરિટી તરીકે નાણાં જમા કરાવી દે. જ્યારે તેમણે પૈસા જમા કરવા માટે સમય માંગ્યો, ત્યારે તેમને આ શરતે સમય મળ્યો કે તેઓ ફોન કાપશે નહીં. તેઓ વૃદ્ધ હોવાથી તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ઘરે જ 'કસ્ટડી'માં રાખવામાં આવશે તેમ ઠગોએ જણાવ્યું હતું.

9 દિવસ સુધી રમેશભાઈ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા. તેમણે 65 લાખની રકમ પણ ભેગી કરી લીધી હતી, પરંતુ નવમા દિવસે સવારે તેમણે અખબારમાં સાયબર ઠગીના કેસ વિશે વાંચ્યું. તે વાંચીને તેઓ ફોન કાપ્યા વિના અને ઠગોને જણાવ્યા વગર સીધા સાયબર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને બધી જાણકારી આપી. જ્યારે પોલીસ તેમની સાથે ઘરે પહોંચી ત્યારે રમેશભાઈની જીવનભરની કમાણી ઠગોના હાથમાં જતી બચાવી લીધી હતી.

મહેસાણાના જ પટેલનો કેસ વાંચીને રમેશભાઈ બચ્યા

રમેશભાઈને અખબારમાં જે સમાચાર વાંચીને અહેસાસ થયો કે તેમની સાથે ઠગાઈ થઈ રહી છે, તે કેસ મહેસાણાના ડોક્ટર મનુભાઈ પટેલનો હતો. 75 વર્ષીય ડો. પટેલ નિવૃત્ત મેડિકલ ઓફિસર છે અને પોતાનું ક્લિનિક ચલાવે છે. 17 તારીખે તેમની પાસે પણ રમેશભાઈ જેવો જ કોલ આવ્યો હતો.

ઠગોએ તેમને કહ્યું કે તેમના આધાર કાર્ડ અને બેંક ખાતા દ્વારા મુંબઈમાં ફ્રોડ થયું છે અને મની લોન્ડરિંગના 40 કેસ નોંધાયા છે. તેથી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ઘરમાં જ અરેસ્ટ રાખવામાં આવશે. ત્રણ દિવસ સુધી ડો. પટેલ પોતાના ઘરેથી બહાર નીકળ્યા નહોતા.

તેમના ક્લિનિકની બાજુમાં મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિને શંકા ગઈ, તો તેણે તેમના પુત્રને જાણ કરી. પુત્રએ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ડો. મનુ પટેલના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેઓ ડિજિટલ અરેસ્ટ છે. મનુભાઈ પટેલ બે કલાક પછી 1 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ઠગોના ખાતામાં કરવાના હતા, પરંતુ પોલીસે ત્યાં પહોંચીને તેમને બચાવી લીધા હતા. લોકો જાણે અજાણે હજુ પણ ડિજિટલ એરેસ્ટનો શિકાર બની રહ્યા છે, પરંતુ એનો અંત આવતો નથી, જેનાથી નાગરિકોની સાથે પોલીસ-પ્રશાસનની મુશ્કેલીઓ વધી છે.