(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ મચ્છી ઉછેરના વ્યવસાયમાં બમણી કમાણીના બહાને કચ્છની મુંદરા નગરપાલિકાના વિપક્ષી યુવા નેતા સાથે અમદાવાદી દ્વારા રૂ. ૩૧ લાખ રૂપિયાની ઠગાઇ આચર્યાની ફરિયાદ નોંધાતાં ચકચાર પ્રસરી જવા પામી હતી.
શું છે મામલો
મુંદરા પોલીસ મથકમાં ઇમરાન સલીમ જતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત વર્ષ ૨૦૧૯ના નવેમ્બર માસમાં ઉમરાહ અર્થે સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળ મક્કા-મદીના ગયા હતા. અહીં અલ્તાફ હબીબ સીદાણી (રહે. કાયલા જિ. અમદાવાદ) સાથે મિત્રતા થઇ હતી. અલ્તાફે મચ્છી ઉછેરના વ્યવસાયમાં સારું એવું વળતર મળવા અંગે લલચામણી વાતોમાં ફરિયાદીને ફસાવ્યા હતા.
ભાગીદારીમાં માછલી ઉછેર કેન્દ્રની એક પેઢી (કંપની) બનાવા સહિતના વાયદા આપ્યા હતા. આ માછલીના ધંધાર્થે ઇમરાન પાસેથી આરોપી અલ્તાફે જાન્યુ. ૨૦૨૩થી જૂન-૨૦૨૩ દરમ્યાન ટુકડે-ટુકડે બેંક ટ્રાન્સફર મારફતે કુલ મળીને ૩૧ લાખ મેળવી લીધા બાદ લાંબા સમય સુધી અલ્તાફે ફરિયાદી ઈમરાન સાથે વાતચીત બંધ કરી દીધી હતી.
ગત વર્ષ ૨૦૨૪ના અંતિમ દિવસોમાં પોતાના રૂપિયા પરત માગતાં આરોપીએ ત્રણ મહિનાનો સમય માગ્યો હતો. આ બાદ રૂપિયા માટે ફોન કરતાં આરોપીએ ઉશ્કેરાઇને કહ્યું કે, 'મારી પાસે કોઈ રૂપિયા નથી, હવે ક્યારે પણ પરત માગતો નહીં, તારાથી થાય તે કરી લેજે અને આ બાજુ આવ્યો તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી ફોન કાપી, ફરિયાદીના મોબાઈલ નંબરને બ્લેક-લિસ્ટ કરી દીધા હતા.
આરોપી અલ્તાફે આવી રીતે મચ્છી કેન્દ્રના નામે અન્યો સાથે પણ વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હોવાનું ઇમરાને પોલીસ સમક્ષ જણાવ્યું હતું. મુંદરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.