Thu Dec 25 2025

Logo

White Logo

ચાઈનીઝ ચાર્જરને કહો બાય-બાય, : ભુજના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઈ-બાઈક માટેનું 'યુનિવર્સલ' ચાર્જર...

14 hours ago
Author: MayurKumar Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતનું સપના સાકાર કરવા માટે આજની યુવા પેઢી તેમના કૌશલ્ય થકી નવા ઇનોવેશન બનાવીને આત્મનિર્ભર બને એ માટે ગુજરાત સરકાર ઇનોવેશન નીતિ અંતર્ગત તેજસ્વી છાત્રોને સંશોધન માટે આર્થિક સહાય, માર્ગદર્શન તથા કોલેજકક્ષાએ યોગ્ય વાતાવરણ પુરું પાડીને પ્રોત્સાહિત કરી રહી છે. જેના પરીણામે ગુજરાતના પોલિટેક્નિક તથા એન્જિનિયરીંગ કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ નવા નવા આવિષ્કારો કરી રહ્યા છે. 

ગુજરાત સરકારના પ્રોત્સાહન તથા આર્થિક સહયોગથી  કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રીક વિભાગના વર્ષ-૨૦૨૫માં બેચલરનો અભ્યાસ કરનારા શક્તિસિંહ જાડેજા તથા તેના ૪ સાથી વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ઇલેક્ટ્રીક વાહનોના ખરીદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તે માટે “વેરીએબલ ઈફ બેટરી ચાર્જર” બનાવ્યું છે. 

વિદ્યાર્થીઓ માટે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરતી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ યોજના થકી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને પ્રોટોટાઇપ માટે સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યના યુવા ટેલેન્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવવાનું રાજ્ય સરકારનું મિશન વિદ્યાર્થીઓના સશક્તિકરણની દિશામાં આ એક ક્રાંતિકારી પહેલ છે. આ યોજનાની મદદથી ભુજ એન્જિનિયરીંગ કોલેજના અબડાસા તાલુકાના ત્રંબો ગામના શક્તિસિંહ જાડેજા, નયનકુમાર પટેલ, મનન રાઠોડ, ચિરાગ દેવાતવલ, શાહિલ વાડોર પોતાનું કૌશલ્ય દર્શાવી અલગ અલગ વોલ્ટેજ બેટરી ધરાવતા ઇલેક્ટ્રીક વાહનોને ઝડપભેર ચાર્જ કરવા માટે એક જ ઇ.વી ચાર્જરની જરૂરિયાત રહે તે દિશામાં એક પ્રોટોટાઇપ બનાવ્યું છે.

ટીમના પ્રતિનિધિ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભુજની એન્જિનિયરીંગ કોલેજના ત્રીજા સેમેસ્ટરના અભ્યાસ દરમિયાન તેમણે અને તેમના સાથી વિદ્યાર્થી મિત્રોને ઇલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવાને લઇને એક સમસ્યા ધ્યાને આવી હતી. આ સમસ્યામાંથી સમજાયું કે, વર્તમાન સમયમાં વિવિધ કંપનીના ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર,કે જેઓ જુદા જુદા વોલ્ટેજની બેટરી ધરાવે છે. અને તેને ચાર્જ કરવા કંપનીનું આપેલું ચાર્જર જો બગડી જાય તો ગ્રાહકોને મોંઘા ખર્ચે નવું ચાર્જર ખરીદવું પડતું હોય છે. જો એક જ પરીવારમાં બેથી ત્રણ જુદી જુદી બ્રાન્ડના ઇલેક્ટ્રીક વ્હીકલ હોય તો બધા માટે અલગ અલગ ચાર્જર લેવાની પરીવારજનોને ફરજ પડતી હોય છે. 

આ તમામ ઈ-બાઈક ચાર્જર મોંઘા હોવા સાથે તેમાં ઓટોક્ટ, થર્મલ પ્રોટેક્શન, હીટીંગ વગેરે મુદે કોઇ સલામતી હોતી નથી. તેથી ચાર્જીંગ સમયે આગ લાગવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી રહે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ છાત્રોએ માત્ર રૂ. ૧૫૦૦ના ખર્ચે ૦-૬૦ વોલ્ટેજ બેટરી ધરાવતા તમામ કંપનીના ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ચાર્જ કરી શકે તેવું વેરીએબલ ઈએફ બેટરી ચાર્જર” બનાવ્યું છે.  બજારમાં મળતાં ખૂબ જ મોંઘા ચાઈનીઝ બેટરી ચાર્જરની કિંમત કરતા પાંચ ગણું સસ્તું હોવા સાથે ઓટોકટ, થર્મલ પ્રોટેક્શન, હીટીંગ વગેરે જેવા સલામતીના ફિચર્સથી લેસ છે. 

ચાર્જીંગ સમયે એક મર્યાદા કરતા વધુ ગરમી ઉભી થાય તો ચાર્જિંગ ઓટોકટ થઇ જાય છે. જેથી આગ લાગવાની સમસ્યા સર્જાતી નથી. ગુજરાત સરકારના પ્રોત્સાહન તથા કોલેજ સમયમાં વિદ્યાર્થીઓ નવા નવા સંશોધન કરી શકે તે માટે ઉભી કરાયેલી ઇકોસિસ્ટમના પરીણામે તેઓ આ ઇનોવેશન કરી શક્યા છે તેમ જણાવતા તેમણે ગુજરાત સરકારનો આભાર માનીને ભવિષ્યમાં રાજ્ય સરકારની અન્ય યોજનાઓનો લાભ લઇને તેની પેટન્ટ તથા સ્ટાર્ટઅપ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.