અમદાવાદઃ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12.32 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાયા હતા. શહેરમાં પાટીદાર બહુમતી ધરાવતી કેટલીક વિધાનસભામાં 2022 ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈથી વધુ મતદારો કપાયા હતા. હાલ શહેરમાં એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદમાં 9.15 લાખ મતદારોનું મેપિંગ ન થઈ શકતા તેમને અનમેપ્ડ કેટેગરીમાં મુકાયા હતા. હાલ તેમનું મેપિંગ થઈ રહ્યું છે. કામનું ભારણ વધારે હોવાથી બીએલઓએ મેપિંગની કામગીરી યોગ્ય રીતે કરી નહોતી. જેથી આ સમયગાળા દરમિયાન જેમના નામ રહી ગયા હતા તેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવી અનમેપ્ડ કેટેગરીમાં મુકાયા હતા. હાલ દરેક વિધાનસભાના સુપરવાઈઝરની દેખરેખ હેઠલ અનમેપ્ડ મતદારોની વિગત તપાસ 2002ની મતદાર યાદીમાં થઈ રહી છે. જેમના નામનું મેપિંગ થશે તેઓના નામ ફાઈનલ યાદીમાં સમાવાશે.
જે લોકોના નામ બીજા રાજ્યોમાં હોવાના કારણે હવે સ્થળાંતર થયા છે તેવા મતદારોના મેપિંગની કામગીરી કરવામાં વધુ સમય લાગવાના કારણે મતદારોના નામ અનમેપ્ડ કેટેગરીમાં નાંખવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
કામગીરી કેમ અટવાઈ
જે મહિલાઓના નામ 2002ની યાદીમાં હતા પરંતુ તેઓને હવે ખ્યાલ નથી કે તે સમયે કઈ વિધાનસભા હતી, મહિલાના લગ્ન થઈ જવાના કેસમાં બીજા રાજ્યમાં જતા રહેવાથી અટક બદલાઈ જતાં મેપિંગ થઈ શકતું નથી. 2002ની યાદીમાં અનુક્રમ નંબર અને વિધાનસભા નંબર વિશેની વિગત ન હોવાના કારણે મુશ્કેલી આવી રહી છે.
અમદાવાદમાં કેટલા મતદારો
અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી પહેલા કુલ 46,70,087 મતદારો હતા. તેમાંથી સ્થળાંતર, મૃત્યુ, ગેરહાજર જેવા કારણોના લીધે 12.32 લાખથી વધુ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રહ્યા હતા. જ્યારે અમદાવાદની 16માંથી 10 બેઠક પર રદ થયેલા મતદારો ગત ચૂંટણીમાં જીતના અંતરથી વધારે હતું.
શહેરમાં પાટીદારોની વસતી ધરાવતા નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર,વેજલપુર, વટવામાં રદ થયેલા મતદારો 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેના જીતના અંતરથી પણ વધુ છે. આ બેઠકો પર રદ થયેલા મતો 7.52 લાખ છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે જીતનું કુલ અંતર 4.20 લાખ છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં 16 બેઠક પર કોંગ્રેસને કુલ 6.16 લાખ મત મળ્યા હતા, જ્યારે રદ થયેલા મત 12.32 લાખ છે. ભાજપને કુલ 16.45 લાખ મત મળ્યા હતા. તમામ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જીતનું અંતર 10.83 લાખ હતું, જ્યારે રદ થયેલા મત તેનાથી 1.49 લાખ વધુ છે. જમાલપુર ખાડિયા,દાણીલીમડા સિવાય તમામ બેઠક ભાજપ પાસે છે.
શુક્રવારે જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં શહેરના કુલ 34,37,255 મતદારનો સમાવેશ કરાયો છે, જેમાં સૌથી વધુ 34,527 ગેરહાજર મતદાર વટવા વિધાનસભાના હતા. વટવાના ગેરહાજર મતદારોની સંખ્યા અન્ય પાંચ વિધાનસભાના કુલ ગેરહાજર મતદારો જેટલી થાય છે.