અંબાજી: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ચઢાવવામાં આવતી ધજાની ઊંચાઈ વધુમાં વધુ 5 મીટર સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. ટેકનિકલ નિરીક્ષણો અને મંદિરના પૂજારીઓ તેમજ નિષ્ણાતો સાથેની પરામર્શ બાદ લેવામાં આવેલો આ નિર્ણય 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.
મળતી વિગતો અનુસાર, હાલ શ્રદ્ધાળુઓ મંદિરના શિખર પર જુદા કદના ધ્વજ ચઢાવે છે, જેમાં ઘણી ધજાઓ ખૂબ લાંબી હોય છે. આ બાબતે મંદિરના માળખાકીય સુરક્ષા અને સંભવિત અકસ્માતો અંગે ચિંતા ઊભી કરી છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે એકસાથે અનેક ધજાઓ અને ભારે ધ્વજદંડ શિખરને નુકસાન પહોંચાડી શકે છે અને તેના કારણે ક્યારેક દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. તેની સાથે મોટી અને લાંબી ધજાઓ ક્યારેક જમીનને સ્પર્શે છે, તેના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે.
આ અંગે ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મંદિરના પૂજારીઓ, ધાર્મિક વિદ્વાનો અને ટેકનિકલ સલાહકારો સાથેની વિગતવાર ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મુખ્ય શિખર પર માત્ર 5 મીટર સુધીની ધજા ચઢાવવાની જ મંજૂરી આપવામાં આવશે. જે શ્રદ્ધાળુઓ તેનાથી લાંબી ધજા લાવશે, તેમને હંગામી વ્યવસ્થા રૂપે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ તે શિખર પર લહેરાવવામાં આવશે નહીં.