જયેશ ચિતલિયા
રોકાણ વિશ્વમાં આમ તો રોકાણ માટે વિવિધ સાધનો છે, જેમાં એક મહત્ત્વનું સાધન ઈટીએફ છે, જોકે તેના વિશે હજી અપેક્ષિત જાગ્રતિનો અભાવ હોવાથી બહુ મોટો વર્ગ તેનાથી દૂર છે. જયારે કે ઈન્વેસ્ટમેન્ટ માટે આ એક નકકર માધ્યમ કે સાધન ગણાય છે.
રોકાણકારોને જયારે પણ કયા સ્ટોકસ ખરીદવા, કેટલા સમય માટે જાળવી રાખવા એ ન સમજાતું હોય તો તેમની માટે રોકાણનો સૌથી સરળ અને બહેતર વિકલ્પ છે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ). તાજતેરના સમયમાં ઈટીએફ માર્કેટનું કદ મોટું થતું જાય છે. જેથી તેના વિશેની સમજ વધારવી અને તેમાં રોકાણ વધારવાનું વિચારવા જેવું ખરું.
ઈટીએફ એક એવું ફંડ છે જેના યુનિટસમાં શૅરની જેમ શૅરબજાર પર સોદા થઈ શકે છે, તેનું શૅરબજાર પર લિસ્ટિંગ થાય છે. તે કોમોડિટીઝ આધારિત હોઈ શકે કે ઈન્ડેકસ આધારિત પણ હોઈ શકે. દાખલા તરીકે તે ઈન્ડેક્સ નિફટી આધારિત છે તો તેનું રોકાણ નિફટીમાં સમાવિષ્ટ પચાસે પચાસ સ્ટોકસમાં નિફટીના વેઈટેજ મુજબ થાય છે. રોકાણકારો એક નિફટી ઈટીએફમાં રોકાણ કરીને 50 સ્ટોકસમાં એકસાથે રોકાણ કરવાનો લાભ મેળવી શકે છે. આ જ રીતે ગોલ્ડ કે સિલ્વર ઈટીએફ પણ હોય છે, જેનું અનુક્રમે સોના અને ચાંદીમાં રોકાણ થાય છે. જોકે આ રોકાણ ફિઝિકલ નહીં, બલકે ડિમેટ સ્વરૂપે થાય છે.
લાર્જ-કેપ શૅરોમાં રોકાણ આસાનીથી થઇ શક્તું હોવાથી આવા ઇટીએફનો ઘણો વિકાસ થયો છે. ભૂતકાળમાં સક્રિય ભંડોળના રોકાણોમાં લાર્જ-કેપ ઇન્ડેક્સિંગ લોકપ્રિય વિકલ્પ હતો, ત્યારે મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય એક્સપોઝર મેળવવા માગતા રોકાણકારો સમક્ષ યોગ્ય પ્રોડક્ટ્સની ચોઇસ મર્યાદિત હોવાથી મિડકેપ અને સ્મોલકેપ ઇટીએફનો એટલો વિકાસ થયો ન હતો, પરંતુ હવે આ સ્થિતિ બદલાઇ છે અને મિડ-સ્મોલ કેપ ફંડોમાં પેસિવ રોકાણ ઇટીએફ થકી સંભવ છે. વર્તમાન સમયમાં વિવિધ બજાર સેગમેન્ટ્સમાં તાજેતરમાં લોન્ચ થયેલા ઇટીએફ રોકાણકારોને ફક્ત ETFs નો ઉપયોગ કરીને સંપૂર્ણ, વૈવિધ્યસભર અને જોખમ લેવાની ક્ષમતા મુજબનો ઇટીએફ પોર્ટફોલિયો બનાવવાની સગવડ આપે છે. જોકે આવા ઇટીએફમાં રોકાણોની સફળતાની ચાવી યોગ્ય સંપત્તિ ફાળવણી (એસેટ એલોકેશન) માં રહેલી છે, જે અહીં ત્રણ પ્રાથમિક જોખમ પ્રોફાઇલ્સમાં દર્શાવી છે: જેમાં આક્રમક, સંતુલિત અને રૂઢિચુસ્ત પ્રોફાઈલનો સમાવેશ થાય છે. રોકાણકારોએ પોતાના રિસ્ક પ્રોફાઈલ મુજબ પોર્ટફોલિયો તૈયાર કરવો જોઈએ.
આક્રમક રોકાણકારો માટે
આક્રમક રોકાણકારો ઉચ્ચ વળતરને પ્રાથમિકતા આપે છે અને બજારની ભારે ચંચળતા સ્વીકારવા સજજ હોય છે. આવા પ્રોફાઇલ માટે, મિડ- અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ ઇટીએફમાં ઉચ્ચ-વૃદ્ધિ અને સંપૂર્ણપણે નિષ્ક્રિય વિકલ્પ પૂરો પાડે છે. ઐતિહાસિક ડેટાના આધારે જણાય છે કે 15 વર્ષથી વધુ સમય માટે, સ્મોલ-કેપ્સે પાંચ વર્ષના રોલિંગ સમયગાળા દરમિયાન વાર્ષિક 38% સુધીનું વળતર આપ્યું છે. મિડ-કેપ્સ એ જ રીતે લગભગ 35% રિટર્ન આપે છે. જો કે મિડકેપ અને સ્મોલકેપનું આ વળતર સામે તે મુજબના જોખમનો પણ સામનો કરવાનો રહે છે; સ્મોલ-કેપ્સે પાંચ વર્ષના રોલિંગ સમયગાળાના લગભગ 8% નકારાત્મક વળતર આપ્યું હોવાના કિસ્સા પણ છે.
સંતુલિત રોકાણકાર માટે
સંતુલિત રોકાણકાર વૃદ્ધિ ઇચ્છે છે, પરંતુ સ્થિર પોર્ટફોલિયોને પણ મહત્ત્વ આપે છે, ઓછી વોલેટિલિટી માટે સંભવિત વળતરમાં ઘટાડો એમને સ્વીકાર્ય હોય છે. ઓછા અસ્થિર લાર્જ-કેપ સેગમેન્ટમાં ફાળવણી વધારીને એવું કરી શકાય છે. 20% વૈશ્વિક ફાળવણી એક મહત્ત્વપૂર્ણ ઘટક રહે છે, જે વળતર પ્રોફાઇલને સરળ બનાવીને સ્થિતિસ્થાપકતા (ફલેકસિબિલીટી) પ્રદાન કરે છે, કારણ કે વૈશ્વિક બજારો ઘણીવાર ભારતીય ઇક્વિટીથી સ્વતંત્ર રીતે જુદી ચાલ કે ટ્રેન્ડ ધરાવતા હોય છે.
ક્ધઝર્વેટિવ રોકાણકાર માટે
રૂઢિચુસ્ત (ક્ધઝર્વેટિવ) રોકાણકારોનું પ્રાથમિક ધ્યેય સ્થિરતા હોય છે અને તેમાં ફુગાવા અથવા કોર્પોરેટ બોન્ડ્સ કરતાં સાધારણ વધુ વળતરની અપેક્ષા રખાતી હોય છે. પરિણામે તે માત્ર ઇક્વિટી રોકાણવાળું જોખમ ઘટાડે છે. આવા પોર્ટફોલિયોમાં ઓછા ચંચળ લાર્જ કેપ્સ - માટે સૌથી વધુ એક્સપોઝરની જરૂર પડે છે. રૂઢિચુસ્ત પોર્ટફોલિયો ગોલ્ડ ઇટીએફનો પણ સમાવેશ કરી શકે છે, જે પરંપરાગત રીતે બજારની મંદીમાં કુશન તરીકે કાર્ય કરે છે.
વિવિધ ઉંમરના પડાવનું રોકાણ
ઉંમર અને જીવનના તબક્કા પ્રમાણે ઈટીએફના મિશ્રણને એડજસ્ટ કરવું હિતાવહ ગણાય. રોકાણકારની ઉંમર અને નાણાકીય લક્ષ્યો ક્યાં અને કેટલા વર્ષમાં પૂર્ણ કરવા છે એ બાબતો તેમની જોખમ લેવાની ક્ષમતા નક્કી કરે છે. 20 થી 30ની ઉંમરે શરૂઆતના ગાળામાં રોકાણકારો પાસે લાંબી અવધિ હોય છે તેથી તેમના માટે આક્રમક વલણ ધરાવતા પોર્ટફોલિયો ફાયદાકારક ગણાય, કારણ કે સમય સ્વાભાવિક રીતે જ ચંચળતાનું સોલ્યુશન આપે છે.
40થી 50ના વયજૂથમાં રોકાણનો માર્ગ ટૂંકો થાય છે, લક્ષ્યો વધુ નજીક આવે છે અને લાંબા ગાળાનું રોકાણ કરી નુક્સાન થાય તો એની રિકવરી કરવાની ક્ષમતા ઘટતી હોવાથી આ તબક્કે, આક્રમક ફાળવણી (ખાસ કરીને મિડ-કેપ અને સ્મોલ-કેપમાં 60% થી વધુ) રોકાણ અસ્ક્યામતના બદલે જવાબદારી પણ બની શકે તેથી જ વ્યવહારુ અભિગમ અપનાવી આગામી નાણાકીય લક્ષ્યો અને રોકડ પ્રવાહ સ્થિરતાના આધારે જ ફાળવણી કરવી જોઈએ. પોર્ટફોલિયોની વૃદ્ધિ ઉંમર વધવા સાથે થવી જોઈએ.
ઓલ-ઇટીએફ પોર્ટફોલિયો લોકોને આકર્ષે છે. ભારતનું ઇટીએફ બજાર ઝડપથી પરિપક્વ થઈ રહ્યું છે - જેમાં તરલતામાં સુધારો, કડક સ્પ્રેડ અને પ્રોડક્ટ્સમાં વૈવિધ્યીકરણ અને વિસ્તરણ જોવા મળવા ઉપરાંત ટ્રેકિંગ ભૂલોમાં ઘટાડો થવાની અપેક્ષા રહે છે. શિસ્તબદ્ધ રોકાણકારો માટે, ઇટીએફ-માત્ર વ્યૂહરચના જ નહીં પણ એક શક્તિશાળી બ્લુપ્રિન્ટ બને છે! અમે અગાઉ કહ્યું તેમ કયા શૅર ખરીદવો કે રાખી મૂકવા જેવી બાબત ન સમજાતી હોય અથવા જેઓ સ્ટોક સ્પેસિફિક જોખમ લેવા માગતા ન હોય તેમની માટે ઈટીએફનો માર્ગ બહેતર છે.