સુરતઃ ગુજરાતમાં થોડા દિવસ પૂર્વે જ પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે દ્વારા આંતરજ્ઞાતિય સગાઈ કરતા તેને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવી હતી અને એક મોટો વિવાદ સર્જાયો હતો. જો કે તેના થોડા જ દિવસમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતાં ફરીથી વિરોધના વંટોળ શરૂ થઈ ગયા છે.
આ મામલે પાટીદાર અગ્રણીઓ આગળ આવ્યા છે અને આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે વાલ્મીકિ સમાજના આગેવાનોએ દોઢ વર્ષ પહેલાના દાખલાને ટાંકીને આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવાની અપીલ કરી હતી.
શું છે સમગ્ર વિવાદ?
જો કે સૌપ્રથમ તો આ સમગ્ર મામલો શું છે તે જાણી લઈએ. તો આ મુદ્દો છે પાટીદાર સિંગર આરતી સાંગાણીનો કે જેણે તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. આરતી સાંગાણીના લગ્નને લઈને પાટીદાર સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે.
પાટીદાર આગેવાનોના કહેવા પ્રમાણે, આરતી સાંગાણી અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે. જેથી સમાજમાં ખૂબ રોષ છે. સોશિયલ મીડિયા દ્વારા અમુક આગેવાનોએ તેના સમાજમાંથી બહિષ્કાર કરવાની અને પટેલ સમાજના કાર્યક્રમમાં નહિ બોલાવવાની માંગ કરી છે. અને જો તે કોઈ પટેલ સમાજને ત્યાં કાર્યક્રમમાં હોય તો ત્યાં જઈને વિરોધ કરીને પ્રોગ્રામ બંધ કરાવવાની પણ માંગ કરી હતી.
દીકરીને સ્વીકારી તો દીકરાને કેમ નહિ?
આ વધી રહેલા વિવાદની વચ્ચે વાલ્મીકિ સમાજના આગેવાનોએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. વાલ્મીકિ સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ દેવાંગ વાઘેલાને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પટેલ સમાજ અત્યારે સાચો છે, કોઈપણ માબાપ દીકરીને ઉછેરે, મોટી કરે, ભણાવી ગણાવીને સારા પદ-પ્રતિષ્ઠા અપાવે અને તેને કોઈ વ્યક્તિ આવીને પ્રેમ જાળ કે લગ્ન અંગે ફસાવે તો પરિવાર તેને ન સ્વીકારી શકે એ અમે પણ સમજી શકીએ છીએ.
પણ આજથી દોઢેક વર્ષ પહેલા જ અમરેલીના બગસરામાં પટેલ સમાજના દીકરાએ વાલ્મીકિ સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને વાલ્મીકિ સમાજને ત્યાં જાન લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે જો તેઓ અમારી દીકરીને સ્વીકારી શકતા હોય તો દીકરાને કેમ ન સ્વીકારે. તેમણે પટેલ સમાજના યુવાનોને પણ આ અંગે સમજવા માટે અપીલ કરી હતી અને આગળ આવવા અપીલ કરી હતી.