Mon Dec 15 2025

Logo

White Logo

ઑસ્ટ્રેલિયામાં બ્રિટિશરો હારી રહ્યા છે અને એમાં આ : લોકો માથાનો દુખાવો થઈ ગયા છે

8 hours ago
Author: Ajay Motiwala
Video

બુધવારે ઍડિલેઇડમાં ત્રીજી ટેસ્ટનો આરંભ


ઍડિલેઇડઃ બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયામાં પહેલી બન્ને ઍશિઝ (Ashes) ટેસ્ટ હારી જતાં હતાશ છે અને એમાં હવે બુધવાર, 17મી ડિસેમ્બરે ઍડિલેઇડમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ (ભારતીય સમય મુજબ સવારે 5.00 વાગ્યાથી) અગાઉ ઑસ્ટ્રેલિયન મીડિયાના ફોટોગ્રાફરો (Photographers) તેમના માટે માથાનો દુખાવો થઈ ગયા છે. પહેલાં બ્રિસ્બેનમાં અને પછી ઍડિલેઇડમાં બ્રિટિશ ટીમના સિક્યૉરિટી સ્ટાફે મીડિયામેન સાથે તકરાર પર ઊતરવું પડ્યું હતું.

પર્થની પ્રથમ ટેસ્ટ ઑસ્ટ્રેલિયાએ માત્ર બે દિવસમાં અને બ્રિસ્બેનની બીજી ટેસ્ટ ચાર દિવસમાં જીતી લીધી હતી. બન્ને ટેસ્ટ કાંગારુઓએ આઠ વિકેટે જીતી લીધી હતી. આ બૅક-ટુ-બૅક હાર બાદ ત્રીજી ટેસ્ટ પહેલાં 10 દિવસનો લાંબો બે્રક હોવાથી હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમ અને કૅપ્ટન બેન સ્ટૉક્સ પોતાની ટીમને લઈને ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડના નૂસા બીચ રિસોર્ટમાં મિનિ વેકેશન માટે ઉપડી ગયા હતા. ત્યાં બ્રિટિશ ખેલાડીઓ વૉલીબૉલ રમ્યા હતા અને એકબીજાની ભરપૂર મસ્તીમજાક કરી હતી. બેન સ્ટૉક્સ અને અન્ય કેટલાક ખેલાડીઓએ બે સ્થાનિક રેડિયો જૉકી સાથે ફોટા પણ પડાવ્યા હતા.

જોકે સિરીઝમાં 0-2થી પાછળ રહેનાર બ્રિટિશ ખેલાડીઓ માટે બ્રિસ્બેન અને ઍડિલેઇડમાં પાપારાઝી (ખાસ કરીને સેલિબ્રિટીઝના ફોટો લેતા ફોટોગ્રાફરો) માથાનો દુખાવો થઈ ગયા હતા. એક જાણીતી ચૅનલનો કૅમેરા ઑપરેટર બ્રિટિશ ખેલાડીઓનો વીડિયો ઉતારવા તેમની નજીક આવવા ગયો ત્યારે આ ખેલાડીઓના સલામતી રક્ષકોએ ધક્કો મારીને તેને દૂર હડસેલવો પડ્યો હતો. તેની સાથે રક્ષકોની તકરાર પણ થઈ હતી.

ઍડિલેઇડમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે એક સ્થાનિક રિપોર્ટરને સિક્યૉરિટી ગાર્ડ્સે હટાવવો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે મીડિયામેનને સૂચના આપી છે કે બન્ને ટીમના ખેલાડીઓની નજીક જવું નહીં એમ છતાં કેટલાક વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર તેમની નજીક જવાનો પ્રયાસ કરતા ઇંગ્લિશ ટીમના સલામતી રક્ષકોએ પગલાં લેવા પડ્યા છે.