Logo

White Logo

red

બાબર મેદાન પર ઊતર્યો રોહિતનો વિક્રમ તોડવા, : પણ ઝીરોમાં આઉટ થઈ ગયો

3 days ago
Author: Ajay Motiwala
Video


રાવલપિંડીઃ પાકિસ્તાને ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની તાજેતરની સિરીઝ 1-1થી ડ્રૉ કરી હતી, પરંતુ હવે ટી-20 શ્રેણીમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે સિરીઝની પહેલી જ મૅચમાં પછડાટ ખાધી છે અને એ માટે સોશ્યલ મીડિયામાં ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ (Babar Azam)ને સૌથી વધુ જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે. રોહિત શર્માનો એક વર્લ્ડ રેકૉર્ડ તોડવાની ઉતાવળમાં તે વહેલો આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાનમાં બાબર ખૂબ લોકપ્રિય છે, પણ મંગળવારે તે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો અને ખાસ તેની બૅટિંગ જોવા આવેલા હજારો પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેના આગમનને વધાવી લીધું હતું.

 

 

 

ઘણા મહિને ટી-20 રમવા આવેલા બાબર પર સલમાન આગાની આગેવાનીમાં રમનાર ટીમને પણ ઘણી અપેક્ષા હતી. ફખર ઝમાનને આરામ આપીને બાબરને ટીમમાં સમાવવામાં આવ્યો હતો અને વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો, પણ તે માંડ ચાર મિનિટ ક્રીઝમાં રહ્યો અને વિકેટ ગુમાવી બેઠો હતો.

સાઉથ આફ્રિકાએ ઓપનર રીઝા હેન્ડ્રિક્સના 60 રનની મદદથી 20 ઓવરમાં 194 રન કર્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 18.1 ઓવરમાં 139 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો પંચાવન રનથી વિજય થયો હતો અને ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.


ટી-20ના ટોચના પાંચ રનમેકર્સ

રોહિત શર્મા (4,231 રન)
બાબર આઝમ (4,223 રન)
વિરાટ કોહલી (4,188 રન)
જૉસ બટલર (3,869 રન)
પૉલ સ્ટર્લિંગ (3,710 રન)