Thu Dec 11 2025

Logo

White Logo

કાશ્મીરી 'કેસર'ની વડોદરામાં ખેતી! : ગુજરાતી દંપતીએ લખ્યો નવો 'ઈતિહાસ'

19 hours ago
Author: Mumbai Samachar Team
Video

પરંપરાગત ખેતીની જરૂરિયાતોને પડકારીને 'મોગરા' કેસરની સફળતાપૂર્વક ખેતી કરી

વડોદરા: સામાન્ય રીતે કાશ્મીરી કેસરની ખેતી માટે ઠંડા વાતાવરણની જરૂર પડે છે. કાશ્મીરમાં ખાસ કરીને કેસરના ફૂલો ખીલે છે, પરંતુ વડોદરાના દંપતીએ તો કમાલ કરી દીધી છે. તેમણે એરોપોનિક્સ મારફત કેસરની ખેતી કરવામાં સફળતા મેળવી છે, જ્યારે વાવેતરનો વિસ્તાર પણ બેવડો કરી દીધો છે, જેનાથી આવકનો માર્ગ મોકળો બન્યો છે.

વડોદરના રહેવાસી વૈભવ અને આસ્થા પટેલ નામના દંપતીએ આ પરંપરાગત જરૂરિયાતોને પડકારીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે એડવાન્સ્ડ એરોપોનિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રીમિયમ 'મોગરા' કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી કરી હતી. આ સફળતા બાદ હવે આ દંપતીએ તેના કેસર ઉત્પાદનના લક્ષ્યને બમણું કરીને વિસ્તાર વધાર્યો છે, જેનાથી આ વર્ષે વધુ સારા ઉત્પાદનની આશા છે.

વડોદરાના આ પટેલ દંપતીએ આધુનિક ખેતીમાં એક નવું પગલું ભર્યું છે. તેમને એડવાન્સ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી બિન-પરંપરાગત વિસ્તારોમાં પણ વધુ કિંમતવાળા પાક ઉગાડી શકાય છે. વૈભવ અને આસ્થાએ વડોદરામાં ખૂબ જ કાળજીપૂર્વક કાશ્મીર જેવું એક નિયંત્રિત વાતાવરણ ઊભું કર્યું છે. 

તેના એરોપોનિક્સ સેટઅપમાં યોગ્ય તાપમાન, ભેજ, પોષક તત્વોની ડિલિવરી અને લાઈટ સાઈકલ સુનિશ્ચિત કરવામાં આવે છે, જે 'મોગરા' કેસરના ઉત્કૃષ્ટ સુગંધ અને ઘેરા રંગ માટે જરૂરી છે. વૈભવ પટેલે જણાવ્યું કે ઘણા સંશોધન બાદ ત્રણ વર્ષ પહેલાં તેમણે 100 ચોરસ ફૂટના વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે કેસરનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને સારી આવક થતાં હવે તેનો વિસ્તાર વધાર્યો છે.

સ્થાનિક લોકો તરફથી કેસરને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી ઉત્સાહિત થઈને વૈભવ પટેલે હવે ખેતીનો વિસ્તાર બમણો કરીને 200 ચોરસ ફૂટ સુધી વધારવાનું નક્કી કર્યું છે. આ વિસ્તરણ સાથે દંપતીને આ વર્ષે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની અને એક કિલોગ્રામ કે તેથી વધુ પ્રીમિયમ કેસર મળવાની અપેક્ષા છે. હાલ બજારમાં 1 ગ્રામ કેસરનો ભાવ લગભગ ₹ 800 છે.

વૈભવ પટેલ હવે કેસરની ખેતી વર્ષમાં એક કરતાં વધુ વખત કરી શકાય તે દિશામાં પણ કામ કરી રહ્યા છે. પરંપરાગત રીતે, કેસરના બલ્બ (બિયારણ) ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન વાવવામાં આવે છે અને ફૂલ આવ્યા પછી પાંખડીઓમાંથી હાથ વડે દોરા કાઢવામાં આવે છે. આ દંપતીની ટેક્નોલોજી આધારિત ખેતી પદ્ધતિ ગુજરાતના અન્ય ખેડૂતોને પણ ઊંચા મૂલ્યના પાકો તરફ વળવા માટે પ્રેરણા આપી રહી છે અને આધુનિક ખેતીના ક્ષેત્રમાં એક નવું ઉદાહરણ પૂરું પાડી રહી છે.