કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસને Grok AIમાંથી અશ્લીલ સામગ્રી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત સરકારે એકસને 72 કલાકની અંદર રિપોર્ટ રજૂ કરવા પણ જણાવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસના જનરેટિવ AI ચેટબોટ, Grok નો દુરુપયોગ વધી રહ્યો છે. જેનો ઉપયોગ યુઝર્સ અશ્લીલ સામગ્રી જોવા અને બનાવવા માટે કરી રહ્યા છે. આ વધતા વલણથી કેન્દ્ર સરકારની ચિંતા વધી છે અને આઈટી મંત્રાલયે કડક પગલાં લીધા છે. તેમજ એક્સ અને તેની Grok AI ટેકનોલોજીની તાત્કાલિક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
પ્લેટફોર્મની નીતિઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન
આ ઉપરાંત સરકારે પણ નિર્દેશ આપ્યો છે કે આ મામલે લેવાયેલી કોઈપણ કાર્યવાહી અથવા સમીક્ષાની જાણ 72 કલાકની અંદર કેન્દ્ર સરકારને કરવામાં આવે. જેમાં કેટલાક પૂર્વ યુઝર્સ ફોટા પોસ્ટ કરતા અને બોટને મહિલાના કપડાં દૂર કરવા અને તેને વધુ ઉશ્કેરણીજનક રીતે પ્રદર્શિત કરવા ઉપયોગ કરતા હતા. તેમજ ગ્રોક ઘણીવાર પરવાનગી વિના મહિલાઓની બદલાયેલી છબીઓ આઉટપુટ આપતું હતું. આ પ્લેટફોર્મની નીતિઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.
તેથી, સરકારે હવે મહિલાઓ વિરુદ્ધ ચાલી રહેલા વલણ સામે કાર્યવાહી કરી છે. જો પ્લેટફોર્મ આ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ જાય, તો તેઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી શકે છે.
માહિતી ટેકનોલોજી મંત્રાલયે નિર્દેશ આપ્યા
વર્ષ 2025ના છેલ્લા અઠવાડિયામાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ એક નવી એડવાઈઝરી જાહેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અશ્લીલ અને ગેરકાયદે સામગ્રી દૂર કરવા નિર્દેશ આપ્યો છે. જો આવું કરવામાં નહી આવે તો પ્લેટફોર્મને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.