Fri Jan 02 2026

Logo

White Logo

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કાર નિકોબારમાં અપગ્રેડેડ રનવેનું ઉદ્ઘાટન : પૂર્વીય મોરચે ભારતની પકડ મજબૂત બનશે

1 hour ago
Author: Mumbai Samachar Team
Video

સુનામી જેવી આપત્તિમાં પણ નાગરિકોને મળશે ઝડપી સહાય

શ્રી વિજયા પુરમ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારતીય વાયુસેના (આઈએએફ)ના કાર નિકોબાર એર બેઝ પર અપગ્રેડેડ રનવેનું ઉદ્ઘાટન કર્યું હતું.

સીડીએસએ સુનામી સ્મારકની પણ મુલાકાત લીધી હતી. વિમાનોની સરળ આવજા માટે કરવામાં આવેલા સુધારાને લીધે વાયુ સેનાને ઓછામાં ઓછા સમયમાં લાંબા અંતરની ફાયરિંગ કસરતો કરવામાં મદદ મળશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અપગ્રેડેડ રનવે પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (આરસીએસ-ઉડાન)ને પણ ટેકો આપશે, જે દૂરના ટાપુ વિસ્તારો સાથે નાગરિક હવાઈ જોડાણમાં સુધારો કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ અને સુનામી-સંભવિત પ્રદેશ અને નજીકના વિસ્તારોમાં કુદરતી આફતો અને કટોકટી દરમિયાન સંસાધનોના ઝડપી એકત્રીકરણને સક્ષમ કરીને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત ક્ષમતામાં વધુ વધારો કરશે.

ચૌહાણ સવારે કાર નિકોબાર ટાપુ પહોંચ્યા હતા અને આંદામાન અને નિકોબાર કમાન્ડ (એએનસી)ના કમાન્ડર-ઇન-ચીફ વાઇસ એડમિરલ અજય કોચર અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી વિજયા પુરમથી લગભગ ૫૩૫ કિમી દૂર સ્થિત, નિકોબાર જિલ્લાના કાર નિકોબારને ૨૦૦૪ના સુનામી દરમિયાન સૌથી વધુ નુકસાન થયું હતું.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે "અપગ્રેડેડ રનવે મલક્કા સ્ટ્રેટની સીધી વ્યૂહાત્મક દેખરેખને કારણે પૂર્વીય મોરચાને વધુ મજબૂતી આપશે - જે આંતરરાષ્ટ્રીય વેપાર અને જહાજો દ્વારા ઉર્જા પુરવઠા માટે વૈશ્વિક દરિયાઇ જીવનરેખા/માર્ગ છે. તે ભારતીય વાયુસેનાને ઝડપી હવાઈ કામગીરી માટે વધુ ક્ષમતા આપશે.

જનરલ ચૌહાણે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને આંદામાન અને નિકોબાર ટાપુઓની ભૂ-વ્યૂહાત્મક ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમજ આ વિસ્તારમાં લશ્કરી કામગીરીને ટેકો આપવા માટે એએનસી દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

તેમણે આંદામાન અને નિકોબાર કમાન્ડની કાર્યકારી ભૂમિકા ચાલુ માળખાકીય વિકાસ અને સેના, નૌકાદળ, વાયુસેના અને કોસ્ટ ગાર્ડ વચ્ચે સંયુક્ત સેવાઓના એકીકરણના સ્તરની પણ સમીક્ષા કરી હતી.