નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે. હવા ગુણવત્તા સૂચકાંક (AQI)400 થી નીચે આવી ગયો છે. જેના કારણે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ GRAP-3 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર AQI 400 ના આંકને વટાવી ગયું હતું ત્યારે GRAP-3 ના નિયંત્રણો લાદવામાં આવ્યું હતું.
બાંધકામ અને શાળાના વર્ગો ફરી શરૂ કરી શકશે
જોકે, પ્રતિબંધો હળવા થતાં હવે દિલ્હીમાં હવે બાંધકામ ફરી શરૂ થઈ શકે છે. તેમજ શાળાના વર્ગો ફરી શરૂ કરી શકશે અને બધા કર્મચારીઓને ઓફિસમાં પાછા બોલાવવામાં આવશે. જોકે, ઠંડીને કારણે, કેટલીક શાળાઓ ઓનલાઈન વર્ગો ચલાવી શકે છે અથવા વિદ્યાર્થીઓને રજા પણ આપી શકે છે. પરંતુ આ નિર્ણય શાળા વહીવટીતંત્ર અથવા જિલ્લા અધિકારીઓનો રહેશે.
GRAP-1 અને GRAP-2 હેઠળના પ્રતિબંધો લાગુ
દિલ્હીમાં GRAP-3ના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે.જોકે, લોકોને બધી પ્રવૃત્તિઓ અંગે મંજૂરી આપવામાં નથી આવી. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા નબળી રહે છે. તેથી, GRAP-1 અને GRAP-2 હેઠળના પ્રતિબંધો હજુ પણ લાગુ રહેશે.
-હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે
-જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર સખત પ્રતિબંધ રહેશે
-ઔદ્યોગિક પ્રવૃત્તિ મર્યાદિત છે અને ઘણા ઉદ્યોગો બંધ રાખવામાં આવશે.
-અમુક બાંધકામ કાર્ય પર પ્રતિબંધ છે. જાહેર સ્થળોએ બાંધકામ સામગ્રીનો સંગ્રહ કરવા પર પણ પ્રતિબંધ છે.
-કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ બંધ રાખવામાં આવશે
-કચરો ખુલ્લામાં બાળવા પર પ્રતિબંધ છે.