મુંબઈઃ 25 ડિસેમ્બરથી કાર્યરત થયેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહેલા 2 દિવસમાં જ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મુંબઈના એકમાત્ર છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ભાર ઓછો કરવાના લક્ષ સાથે શરુ કરાયેલ આ એરપોર્ટની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જ્યાં બે દિવસમાં હજારોની સંખ્યામાં પ્રવાસીએ પ્રવાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, નવા બનેલા ટર્મિનલમાં કામગીરીના પહેલા બે દિવસમાં લગભગ 10,000 મુસાફરોએ એરપોર્ટ પરથી પ્રવાસ કર્યો છે. એક દિવસમાં મુસાફરોની સંખ્યામાં વધારો મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિભાવ દર્શાવે છે, એમ એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું.
એક દિવસ પહેલા 24 ડિસેમ્બરે, મુસાફરોનો ભાર આગમન માટે 71 ટકા અને પ્રસ્થાન માટે 83 ટકા હતો. 25 ડિસેમ્બરે કામગીરી શરૂ થતાં, આગમનનો ભાર વધીને 85 ટકા થયો, જ્યારે પ્રસ્થાનનો ભાર વધીને 98 ટકા થયો, જે ક્રિસમસના દિવસે કામગીરી શરૂ થયા બાદ બુકિંગ સ્તરમાં મજબૂત ઉછાળો દર્શાવે છે.
કામગીરીના પહેલા દિવસે એરપોર્ટ પર કુલ 4,922 મુસાફરની અવરજવર નોંધાઈ હતી, જેમાં 2,278 મુસાફરો આવ્યા હતા અને 2,644 મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું, જે મુંબઈ મેટ્રોપોલિટન રિજન તરફથી મજબૂત માંગ દર્શાવે છે. 26 ડિસેમ્બરના મુસાફરોની અવરજવરમાં વધારો થયો, એરપોર્ટે કુલ 5,028 મુસાફરોનું સંચાલન કર્યું હતું.
પ્રથમ મહિનામાં, NMIA માત્ર 12 કલાક માટે, સવારે 08:00 કલાકથી રાત્રે 20:00 કલાક સુધી કાર્યરત રહેશે, અને ૨૩ દૈનિક સેવાઓનું સંચાલન કરશે. આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ પ્રતિ કલાક 10 ફ્લાઇટનું સંચાલન કરશે. ફેબ્રુઆરી 2026થી એરપોર્ટ ચોવીસ કલાક કાર્યરત થશે, અને MMR ની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે દૈનિક 34 સેવાઓ ચાલુ રહેશે.
આ મુંબઈવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે, અને અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે અમને આ એરપોર્ટ વિકસાવવાના અધિકારો મળ્યા છે. આ એકદમ નવું એરપોર્ટ છે, અને અમે તેને વિશ્વ કક્ષાનું એરપોર્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે, એમ ગૌતમ અદાણીએ જણાવ્યું.
૨૫ ડિસેમ્બરના બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટ 6E460 પહેલી કાર્ગો ફ્લાઇટ NMIA પહોંચી હતી. આ સાથે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવાઓ માટે વિકસી રહેલા પ્રાદેશિક લોજિસ્ટિક્સ હબ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.