પુણે: બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા શ્રીક્ષેત્ર ભીમાશંકર મંદિરમાં મારપીટની ઘટના બની છે. શિવસેના (શિંદે જૂથ)ના પુણે ઉત્તર જિલ્લા પ્રમુખ દેવીદાસ દરેકર દ્વારા એક પૂજારી સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે હોબાળો મચી ગયો હતો. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભક્તોનો ચાલી રહેલો અભિષેક પૂરો થવા આવ્યો ત્યારે શિવસેના જિલ્લા પ્રમુખ દેવીદાસ દરેકર દ્વારા પૂજારી સાથે મારપીટ કરવામાં આવી હતી. તે સમયે અભિષેક દરમિયાન આરતી ચાલી રહી હતી, જ્યારે અભિષેક ચાલુ હતો ત્યારે જ દરેકર અને તેમના સાથીદારો દર્શન માટે મંદિરમાં દાખલ થયા હતા અને અભિષેક કરી રહેલા ભક્તોની પાછળ ઉભા હતા.
મંદિરના ગર્ભગૃહમાં ભીડ થઈ રહી હોવાથી પૂજારી તરીકે સેવા આપતા યોગેશ શિર્કેએ દરેકરને દર્શન કરીને બહાર જવાની વિનંતી કરી હતી, પરંતુ દરેકરે શિવલિંગની પૂજા કરવાની અને શિવલિંગ પર જળ ચઢાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ બાબતે જ દરેકર અને પૂજારી યોગેશ શિર્કે વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં મંદિરના ગર્ભગૃહમાં જ દરેકરે પૂજારીને અપશબ્દો બોલ્યા હતા અને મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા પછી, દેવીદાસ દરેકરે પૂજારી યોગેશ શિર્કે સાથે મારપીટ કરી હતી. આ સમયે, અન્ય પૂજારીઓએ દરમિયાનગીરી કરીને બંને વચ્ચેનો વિવાદ ઉકેલ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
મારપીટનો ભોગ બનેલા પૂજારીએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. પૂજારીને માર મારનાર શિવસેનાના જિલ્લા વડા દેવીદાસ દરેકરે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આ ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને ભીમાશંકર મંદિરમાં પૂજારીઓના વધતા ભ્રષ્ટાચાર અને મંદિર પરિસરમાં દર્શનના નામે ચાલી રહેલા ભ્રષ્ટાચારને જાહેરમાં લાવશે.